પોરબંદરઃ બરડા ડુંગરના વિસ્તારમાં 143 વર્ષ પહેલાં સિંહ વસવાટ કરતા હોવાનું મનાય છે પરંતુ ત્યાર બાદ કોઈ કારણો સર આ વિસ્તારમાંથી સિંહ લુપ્ત થઈ ગયા હતા. 143 વર્ષ પછી આશરે 3-5 વર્ષનો યુવા નર સિંહ 18 જાન્યુઆરી, 2023ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં કુદરતી રીતે આવી ગયો હતો. નર સિંહ શરૂઆતમાં 3 ઓક્ટોબર, 2022 ના રોજ પોરબંદર વિભાગની રાણાવાવ રેન્જની બીટમાં જોવા મળ્યો હતો. 5 સિંહણ હાલમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં છે. જેમાંથી એક સિંહણ સાથે સિંહે સંવનન કરતા બરડાના જંગલ વિસ્તારમાં એક સિંહણની કુખે 2 બચ્ચાનો જન્મ થયો છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં થયેલો સિંહ બાળનો જન્મ એ સિંહ સંરક્ષણના ઈતિહાસમાં એક નોંધપાત્ર ઘટના છે.
2 સિંહબાળનો જન્મઃ માંગરોળથી દરિયાઈ પટ્ટી પર એક સિંહ પોરબંદર આવ્યો હતો અને પોરબંદરથી બરડા જંગલમાં સ્થાયી થયો છે. આ સિંહ માટે 5 સિંહણ જંગલમાં મૂકવામાં આવી છે. માંગરોળથી બરડા ડુંગરમાં વસેલા સિંહે ગીરની સિંહણ સાથે સંવનન કરતા 2 સિંહ બાળનો જન્મ થયો છે ત્યારે બરડામાં બાંધેલા જીનપૂલની બહાર છૂટા જંગલમાં પ્રથમ વખત સિંહ બાળનો જન્મ થતા હવે બરડો વિધિવત સિંહનું ઘર કહેવાય છે.
5 સિંહણ લવાઈ હતીઃ જૂનાગઢના વાઈલ્ડ લાઈફ સર્કલના અધિકારી આરાધના શાહુએ જણાવ્યું હતુંકે, બરડા જંગલમાં ગીર માંથી 5 સિંહણ લાવવામાં આવી હતી. કોસ્ટલ એરિયા માંથી માંગરોળ સાઈડથી આવેલ સિંહે બરડામાં સ્થાયી થઈ ગીરની સિંહણ સાથે સંવનન કરતા સિંહણએ 2 બચ્ચાંને જન્મ આપ્યો છે.
સિંહ સંવર્ધન માટે જીનપુલઃ ઉલ્લેખનીય છે કે, બરડાના 7 વીરડાનેશ વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે જીનપુલ બનાવવામાં આવ્યો છે. આ કુદરતી રીતે વિચરણ કરી બરડાના છૂટા જંગલમાં સ્થાયી થઈ સિંહણ સાથે સંવનન કરતા છૂટા જંગલમાં પ્રથમ વખત સિંહણે 2 સિંહબાળને જન્મ આપતા હવે બરડો વિસ્તાર વિધિવત રીતે સિંહનું ઘર બની ગયો છે. બન્ને સિંહબાળ તંદુરસ્ત હોવાનું જૂનાગઢના વાઈલ્ડ લાઈફ સર્કલના અધિકારી આરાધના શાહુએ જણાવ્યું હતું.