બનાસકાંઠા : વાવ તાલુકાના આકોલી બ્રાન્ચમાંથી નીકળતી અને કૂંડાળીયા ગામની સીમમાંથી પસાર થતી કારેલી માઇનોર 2 માં પાંચ થી છ જગ્યા પર સાયફનનું કામ પૂર્ણ નથી થયું, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત રહી ગયા છે. આ વર્ષે રવિ સીઝનમાં એક મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં, પિયત માટે પાણી ન મળતા હજારો એકર જમીન કોરી ધાકોર પડી છે. હાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નર્મદાના નીરથી વંચિત ખેડૂતો : વાવ તાલુકાના કૂંડાળીયા, ગામડી, કારેલી, ચંદનગઢ, ચોથાનેસડા સહિતના ગામના ખેડૂતો સિંચાઈ માટે આ કેનાલના પાણીનો ઉપયોગ કરે છે. પાણીની આશાએ આ પાંચ ગામના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ અને ખાતર લાવી ખેડ કરી છે. પરંતુ પાણી ન આવતા ખેડૂતોએ કરેલ ખર્ચ માથે પડે તેવું લાગી રહ્યું છે, જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કેનાલ પર ખેડૂતોએ કર્યો હલ્લાબોલ : વાવ તાલુકાના સરહદી વિસ્તાર કૂંડાળીયાની સીમમાંથી પસાર થતી કારેલી માઇનોર કેનાલ પર સાયફનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. તેને લઈને નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોએ કેનાલ પર જઈ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ કોન્ટ્રાક્ટરના માણસોને કામ ઝડપથી કરવા કહેતા કોન્ટ્રાક્ટરના માણસો પણ ખેડૂતો પર ઉગ્ર બન્યા હતા.
જવાબદાર અધિકારીની વાદો કે વાયદો ? આ બાબતે કેનાલના અધિકારી દેવચંદ ચૌહાણ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, હું ઓફિસ પર હાજર નથી હું સાઈડ પર ગયેલ છું. જોકે આ કેનાલ અને ખેડૂતોની સમસ્યાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેનાલ પર સાઈફનનું કામ ચાલુ હોય ખેડૂતોને અઠવાડિયામાં પાણી પહોંચાડી દઈશું.
રોષે ભરાયેલા ખેડૂતોની માંગ : એક તરફ જીરાના વાવેતરની સીઝન જઈ રહી છે, બીજી તરફ ખેડૂતોને હજી સુધી પાણી મળતું નથી. કેનાલ પર ચાલતું સાયફનનું કામ લગભગ હજુ 15 દિવસમાં પણ પૂરું કરવું મુશ્કેલ છે. નર્મદા કેનાલના અધિકારી કહે છે કે, અઠવાડિયામાં પાણી મળી જશે. ખેડૂતો ખાતર અને બિયારણમાં ખર્ચો કરીને બેઠા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીથી પાણી મોડું મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનું હિત ઈચ્છતી સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, એક અઠવાડિયામાં પિયત માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. એક બાજુ ખેડૂતોએ શિયાળુ સિઝન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પિયતના ખેતર તૈયાર કરી દીધા છે. પરંતુ નર્મદા વિભાગના તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.