બનાસકાંઠા: જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા જ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. જોકે વાવ વિધાનસભાની સીટ ગુજરાતની હોટ સીટ અને ગુજરાતનું નાક માનવામાં આવે છે. આથી આ વખતે પેટા ચૂંટણીમાં આ સીટ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે, તો આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે જેને લઈને આ સીટ ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે તેવી સંભાવના છે.
બીજી બાજુ વાવ વિધાનસભાના મતદારોએ પણ આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ ઉમેદવારને જોઈને મત આપવાનું મન બનાવી લીધું છે, એટલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સક્ષમ ઉમેદવારને જ મેદાને ઉતારીને આ સીટ કબજે કરવા મરણિયો પ્રયાસ કરાશે. આ દરમિયાન વાવ વિધાનસભાની જનતા શું કહે છે? કયા રાજકીય અને સામાજિક સમીકરણો આ વિધાનસભાને અસર કરશે? તેમજ મતદાતાઓનો શું મિજાજ છે? તે જોઈશું આ ખાસ અહેવાલમાં...
વાવ વિધાનસભા માટે ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવાર ટીકીટ મેળવવા માટે લોબિંગ કરીને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વાવ વિધાનસભાના મતદારો જણાવી રહ્યા છે કે, આ વખતે અમારે સ્થાનિક અને ખેડૂત પુત્ર અથવા તો ગરીબ વર્ગનો ધારાસભ્ય જોઈએ છે. જેમાં સરહદી વિસ્તારના લોકો ખાસ કરીને ખેતી અને પશુપાલકનો વ્યવસાય કરે છે, જ્યારે ખેડૂતો અને પશુપાલકોની વાતો સાંભળે તેમજ તેમની પડતર પ્રશ્નોના ઉકેલ લાવે તેવો ધારાસભ્ય જોઈએ છે તેવું મતદારો જણાવી રહ્યા છે.
જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાતાઓનો આ વખતે અલગ જ મિજાજ જોવા મળ્યો છે. મતદારોનું કહેવું છે કે, અહીં ભાજપ અને કોંગ્રેસ અમારા કામ કરે, ખાસ કરીને ખેડૂતોને મદદરૂપ થાય, અને ખાસ કરીને સરહદી વિસ્તારમાં હંમેશા ખેડૂત હોય કે પશુપાલક હોય તેમના ઉપર દર વર્ષે કુદરતી કંઇક ને કંઈક આફત આવે છે અને તે આફતનો સરહદી વિસ્તારના લોકો શિકાર બને છે. જ્યારે તંત્ર દ્વારા પણ આજદિન સુધી કોઈ સહાય આપવામાં આવી નથી. ઉપરાંત સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય કે પછી બધા જ હતોક્ષાર હોય આ બે ખાસ મુદ્દાનું નિવેડો લાવે તેવા ઉમેદવારને ઉતારશે તો જ અહીં જીતી શકાશે. અમે આ વખતે સક્ષમ ઉમેદવારને જ મત આપીશું.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આગામી ટૂંક સમયમાં પાર્ટીઓ પોતપોતાના ઉમેદવાર નક્કી કરીને જાહેરાત કરે તે પહેલા વાવના સરહદી વિસ્તારના લોકોને કેવો ઉમેદવાર જોઈએ છે જેને લઈને અલગ અલગ માંગ કરવામાં આવી છે. જ્યારે ઈટીવી ભારતની ટીમ ઘરે ઘરે ગ્રાઉન્ડ જીરો રીપોર્ટ કર્યો ત્યારે લોકોએ જણાવ્યું હતું કે, 'અમારે ગરીબ અને સ્થાનિક ઉમેદવાર જે અમારી વાણીને સમજી શકે અને નાની-મોટી મુશ્કેલીનો નિવેડો લાવી સરકારમાં રજૂ કરે કરી શકે તેમજ ખેડૂત વર્ગના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ કરાવી શકે તેવા જ ઉમેદવારોને ચૂંટીશું. ઉપરાંત અમુક વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેવી કે સરહદી વિસ્તારના ગામડાઓમાં રેગ્યુલર વીજ પુરવઠો મળતો નથી અને દર વર્ષે ઉનાળામાં સરહદી વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીના અછત સર્જાય છે. રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. સિંગલ પટ્ટી રોડ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.'
સ્થાનિક અગ્રણીઓએ આ મુદ્દે વધુમાં જણાવતા કહ્યું હતું કે, 'જ્યારે ખેડૂત વર્ગને તેમજ સરહદી વિસ્તારના લોકોને વર્ષોથી સરહદી પંથકમાં આરોગ્યને લગતી કોઈ સુવિધા નથી. સામાન્ય ડીલેવરી કરવી હોય તો પણ થરાદ જવું પડે છે. આમ આરોગ્યને લગતી આ તમામ સમસ્યાઓ છે તે સમસ્યા કાયમી માટે દૂર કરે તેવા ઉમેદવારની અહીં જરૂર છે. ઉપરાંત સરહદી પંથકમાં છેલ્લા દસ વર્ષથી ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. ક્ષારને અટકાવવા કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી. જો ક્ષાર આમ જ વધતો રહેશે તો એક દિવસ ખેડૂતો જમીન વિહોણા બની જશે. આમ, આવી તમામ સમસ્યાઓ હલ કરે તેવો અમારે નેતા જોઈએ છે.'
આ પણ વાંચો: