બનાસકાંઠા: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 19 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂજી ઠાકોર અને અપક્ષમાંથી મજબૂત ચહેરા તરીકે ઓળખાતા માવજીભાઈ પટેલે ફોર્મ ભર્યું છે જ્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તે તો આવનાર સમય જ બતાવશે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગ: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી કેટલાક ઉમેદવારોની અલગ અલગ પક્ષોમાંથી અટકળો ચાલતી હતી, ત્યારે આજે નામાંકન ફોર્મની છેલ્લી તારીખે ઉમેદવારો જાહેર થયા હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ત્રણનામ ચર્ચામાં હતા. ત્યારે આખરે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર થયું હતું. ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરતાં ક્યાંકને ક્યાંક રાજપૂત ક્ષત્રિય સમાજ શાંત થયો છે. તેમજ ક્યાંક વાવ રાણા ગજેન્દ્રસિંહને ટિકિટ ન મળતા જાગીરદાર સમાજ નારાજ થયો છે. જ્યારે બીજી બાજુ માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપ ઉમેદવારને ચિંતાના તાંતણા વધી ગયા છે. હવે જાગીરદાર સમાજને મનાવવા અને રાજપૂત સમાજને સમજાવવા કેવી રણનીતિ તૈયાર થાય છે એ આવનારા સમયમાં જ ખબર પડશે.
માવજીભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષના ઉમેદવારો સોઈગામ ખાતે આવેલા પ્રાંત કચેરીમાં સવારથી જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. જ્યારે 19 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત ભાજપમાં સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી મજબૂત ચહેરા તરીકે ઓળખાતા માવજીભાઈ પટેલે ફોર્મ ભર્યું છે જ્યારે માવજીભાઈ પટેલ 1990માં ભારતીય જનતા દળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવતા માવજીભાઈ પટેલે અપક્ષમાં ફોર્મ ભરતા ભાજપ પાર્ટીને મોટા પ્રમાણમાં નુકશાન થશે. તેવી ચર્ચાઓએ જોર પક્ડ્યું છે.
પરમાર મનોજભાઈ રાણાભાઈએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હોવાથી સુઈગામ ખાતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં મહાસભા યોજી હતી. જેમાં કોંગ્રેસના સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાવ વિધાનસભા સભા પેટા ચુંટણીના અપક્ષ ઉમેદવારમાં વધુ એક નામ જોડાયું હતું. પરમાર મનોજભાઈ રાણાભાઇ કે જે વકિલ અને સામાજિક કાર્યકર છે તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમજ તેમણે બહુજન સમાજ પાર્ટી વર્ષ 2018માં માડકા જિલ્લા પંચાયતની ચુંટણી લડ્યા અને વર્ષ 2022માં વાવ વિધાનસભામાંથી બહેનને ઉમેદવારી નોંધાવી ચુંટણી લડાવ્યા હતા.
પરમાર મનોજભાઈએ કરેલા સામાજિક કાર્યો: વાવ તાલુકા પંચાયતમાં પૂરતો સ્ટાફ પૂરો કરાવ્યો, ગ્રામ પંચાયતોમાં તલાટીઓની કાયમી નિમણૂંક કરાવી, વાવ વિધાનસભામાં દલિત સમાજના લોકોના વાળ કાપવામાં આવતા ન હતા. જેને આંદોલન થકી ચાલુ કરાવ્યા. ઠાકોર સમાજની વિકલાંગ દિકરીઓને આરોગ્યને લગતી સુવિધા પૂરી કરાવી તેમજ પાકું ઘર બનાવવામાં મદદ કરી, વાવ વિસ્તારમાં સરકારી યોજનાનો લાભ અપાવ્યો, ગરીબ અને વંચિત સમાજના લોકોને આવાસ યોજનાઓના લાભ અપાવ્યા, સિંચાઇ માટે પાણી, પીવા માટે પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પૂરો કરાવ્યો, રોડ રસ્તાનું કામ પણ માર્ગ અને મકાનના મંત્રીને રૂબરૂ મળીને પૂરા કરાવ્યા, જેવા અનેક લોક હિતના કાર્યો કર્યા છે.
આ પણ વાંચો: