બનાસકાંઠાઃ બનાસકાંઠાના કાંકરેજ થળી જાગીરદાર મઠનો વિવાદ હવે કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે અને કલેક્ટર ખાતે આજે મોટી સંખ્યામાં સમર્થકો અને ભક્તો પહોંચ્યા હતા. તેમણે જગદીશપુરીના નિધન અંગે સવાલો ઉઠાવી તેમના મોત અંગે શંકાઓ નિપજાવી કલેકટર બાદ એસપી કચેરી ખાતે સમાધિમાંથી પાર્થિવદેહને બહાર કાઢી પીએમ કરાવી ન્યાયની માંગ કરી છે.
છેલ્લા કેટલાય દિવસોથી કાંકરેજના થળી મઠનો વિવાદ ચાલી રહ્યો છે. કાંકરેજ મઠના સ્વ. જગદીશ પૂરીના નિધન બાદ મામલો ઉગ્ર બન્યો છે. કારણકે જગદીશપુરીના નિધન બાદ જે અંતિમ વિધિની પ્રક્રિયાઓ કરવાની હોય છે તેમાં ખૂબ જ ઉતાવળ કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમજ ભક્તો માટે તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે પણ ના મુકાયો હોવાના તેમજ સમાધિ સહિતની વિવિધ પ્રક્રિયા માટે ખૂબ જ ઉતાવળ કરી તેમની સમાધિ બનાવી દેવાઈ હોવાના આક્ષેપો તેમના સમર્થકો અને ભક્તો કરી રહ્યા છે.
કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદને લઈને આજે મોટી સંખ્યામાં જગદીશપુરીના ભક્તો અને સમર્થકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેલી સ્વરૂપે પહોંચેલા ભક્તોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી છે. જોકે જગદીશપુરીના મોત અંગે શંકાઓ નિપજાવી તમામ સમર્થકો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જગદીશપુરીની સમાધિમાંથી તેમના પાર્થિવદેહને બહાર કાઢી પીએમ કરવાની માંગ કરવામાં આવી હતી.
દશનામ ગોસ્વામી સમાજના લોકો અને સમર્થકો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જગદીશપુરી મહંતના નિધન બાદ અન્ય મહંતને બેસાડી દેવામાં આવ્યા છે. જે અમને સ્વીકાર્ય નથી. તંત્ર દ્વારા આપવામાં આવેલા જવાબથી પણ સંતોષ ન મળતા એસપી કચેરી ખાતે પહોંચીને વહેલી તકે ન્યાયની માંગ કરી છે. વધુમાં વધુ એફઆઇઆર કરી ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની પણ તેમણે ઉચ્ચારી છે.
કાંકરેજના થળી જાગીદાર મઠના મહંત જગદીશ પુરીના નિધન બાદ શરૂ થયેલા વિવાદનો મામલો હવે કલેક્ટર કચેરી સુધી પહોંચી ગયો છે. સમર્થકો અને દશનામ ગૌસ્વામી સમાજના લોકોએ આજે રેલી નીકળીને જગદીશપુરીના પાર્થિવ દેહને બહાર કાઢી પીએમ કરી ન્યાયની માંગ કરી છે. ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા નિર્ણય લેવામાં આવે છે અને કેવા ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું...