બનાસકાંઠા: લોકસભાની ચૂંટણી દરમિયાન ગેનીબેન ઠાકોરે ગાય માતાને રાષ્ટ્રમતા જાહેર કરવા માટે લોકસભા સુધી અવાજ ઉઠાવવા માટેનું જનતાને વચન આપ્યું હતું. જે વચન તેમને પૂરું કર્યું છે. લોકસભામાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ ગૌવંશને બચાવવા માટે કડક કાયદો બનાવવા પ્રસ્તાવ મૂકી તેમણે માંગ કરી હતી. ત્યારે ગેનીબેન ઠાકોરે ગાયમાતા માટે ઉઠાવેલા અવાજ બાબતે લોકોમાં તેમની લોકપ્રિયતા વધી ગઈ છે. આજે તેઓ બનાસકાંઠાના લાખણી ખાતે પહોંચતા જ તેમનું ફૂલહાર અને પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાર પહેરાવી સ્વાગત: લાખણીના ગૌસેવકો દ્વારા આજે એકત્ર થઈ લાખણીના મેન હાઇવે ઉપર ગેનીબેન ઠાકોરની ગાડી ઉપર ફુલ વર્ષા કરવામાં આવી હતી, તેમજ ગામના આગેવાનો અને ગૌસેવા કરતા લોકોએ તેમને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.
ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો: ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે, જોકે ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોર સમક્ષ પણ ગૌરક્ષકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે રજૂઆત કરવા માંગ કરી હતી.
ત્યારે જ ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, જો હું જીતીશ તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે લોકસભામાં તેનો પ્રસ્તાવ મુકીશ અને આખરે તેમને આ વચન નીભાવતા લોકોએ હરખભેર તેમને વધાવી લીધા હતા.