બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. રાત્રે અચાનક કમોસમી વરસાદ થતાં રાયડો, જીરું, વરીયાળી સહિતના રવિ પાકોને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે.
રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ: બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રે કમોસમી માવઠું થયું હતું. કમોસમી માવઠાના કારણે રવિ પાકને નુકસાન શક્યતાઓ વધી છે. જોકે મોંઘા ભાવના બિયારણ અને મહામહેનતે વાવેલા ઘઉં, રાયડો, વરિયાળી, જીરું તેમજ બટાટા સહિતના પાકોની વાવણી કરાઈ છે, પરંતુ અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાના કારણે હવે રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ વધતા જગતનો તાત ચિંતિત થયો છે.
હાઈવે પર વિઝીબીલિટી ઘટી: અંબાજી, દાંતા, અમીરગઢ, વડગામ સહીત જિલ્લાના તાલુકાઓમાં કમોસમી માવઠું થયું હતું. પરિણામે ઠંડીનું જોર પણ અચાનક જ વધતા શિયાળામાં ચોમાસા જેવો માહોલ બનાસકાંઠામાં જોવા મળી રહ્યો છે. પાલનપુર અને દાતા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ જતા હાઈવે પર વિઝીબીલિટી ઘટી જતાં વાહનચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે.
ખેડૂતોની ચિંતામાં વધારો: હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી જે બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. સાથે જ પોતાના પાકોને નુકસાન ન થાય તે રીતે પગલાં ભરવા માટે તંત્રએ અપીલ કરી હતી. જોકે આગાહી મુજબ રાત્રે અચાનક જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો હજુ આ જ પ્રકારે વાતાવરણ બની રહેશે તો રવિ પાકોને વધુ નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ: જોકે અરબ સાગરમાં બદલાયેલી સિસ્ટમના કારણે હવામાન વિભાગ તરફથી હજુ પણ બે થી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં આ જ પ્રકારનું વાતાવરણ બની રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે વધુ કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ દરમિયાન ખેડૂતો કમોસમી માવઠું ન થાય અને પાકોમાં નુકસાન ન થાય તે માટે હાલ તો પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો: