પાટણ: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે મતદારોમાં મતદાન કરવા અંગે જાગૃતિ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રચાર પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. "બલૂન આવે છે...." અભિયાન અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા તમામ નવીન મતદારોને આકર્ષિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલ તમામ અગત્યના સ્થળો પર બલૂન પહોચાડવામાં આવશે.
મતદાન માટે અપીલ કરતા સ્લોગનનું લખાણ: બલૂન પર મતદારોને મતદાન માટે અપીલ કરતા સ્લોગનનું લખાણ કરવામાં આવ્યું છે. લોકસભા સામાન્ય ચુંટણી 2024માં તમામ વયજૂથના લોકો ભાગીદારી નોંધાવે તે અર્થે તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.જિલ્લા કલેક્ટરે જણાવવામાં આવ્યું હતુ કે, આ બલુન જેટલો ઉંચો જાય છે તેટલી જ આપણી મતદાનની ટકાવારી ઉંચી જવી જોઈએ. સૌ કોઈએ દેશના આ મહાપર્વમાં સહભાગી થઈને મતદાન કરવું જ જોઈએ. મહિલાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે "મારી માતા, દેશની ભાગ્યવિધાતા" કેમ્પેઈન જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. જે મતદાન મથકો પર મહિલાઓની મતદાન ટકાવારી પુરુષના પ્રમાણમાં 10% કરતાં વધુ ઓછી હોય તેવા મતદાન મથકો પર મહિલા મતદારના બાળકને "મારી માતા, દેશની ભાગ્યવિધાતા" ટેગલાઈન સાથેના બેઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી બાળક ગર્વથી કહી શકે કે, મારી માતા મત આપશે અને દેશના નિર્માણમાં ભાગ્યવિધાતા બનશે. પાટણ જિલ્લામાં જ્યાં સ્ત્રી મતદારોની મતદારોમાં ભાગીદારી ઓછા પ્રમાણમાં છે, તેની ભાગીદારી વધારવા અર્થે તમામ મતદાન મથકો ખાતે આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.