છોટાઉદેપુર : સરકાર દ્વારા સરહદી વિસ્તારના વિકાસ માટે વિવિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જોકે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટનાં નવાલજાથી છકતલા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિલકુલ ખસ્તા હાલતમાં હોવાથી પ્રજાને અનેક હાડમારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક નહીં પણ અનેક ખાડા પડતા વાહન ચાલકોને કયા ખાડાને કુદાવવો અને કયા ખાડાને ટાળવો તે સમજાતું નથી.
રસ્તાની ખસ્તા હાલત : કવાંટ તાલુકાના નવાલજાથી જમલી વગુદણથી મધ્યપ્રદેશનાં વખતગઢને જોડતો રોડ બિસ્માર બન્યો છે. આ રોડ પર છેલ્લા 10 વર્ષથી રીકાર્પેટ તો શું, રીપેરીંગ વર્ક પણ નહીં થતા રોડની હાલત એટલી હદે ખરાબ છે કે, અહીંથી સાયકલ ચલાવવી પણ મુશ્કેલ બની છે. નવાલજાથી મધ્ય પ્રદેશને જોડતો આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખસ્તા હાલતમાં હોવાથી પ્રજા પણ ત્રાહીમામ પોકારી છે. ઉપરાંત 108 જેવી ઇમરજન્સી સેવાનો લાભ લેવામાં પણ રસ્તાની હાલતને લઈને હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. તે ઉપરાંત અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પણ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી અને હેરાન થઈ રહ્યા છે.
MP-ગુજરાતને જોડતો ધોરીમાર્ગ : મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતા આ આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગની ખસ્તા હાલતને લઈને બંને રાજ્યની પ્રજા અનેક હાડમારી ભોગવી રહી છે. આ રસ્તા પર રીકાર્પેટ તો ઠીક પણ રીપેરીંગ પણ નહીં કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉપરાંત લોકો રોડ આપો રોડનાા નારા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા સરહદી વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કરી પ્રજાને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી સત્વરે આ રોડનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
10 વર્ષથી રીપેરીંગ માંગતા રસ્તા : કવાંટ તાલુકાના નવાલજાથી રેનદા ગુજરાત રાજ્યની સરહદ લાગુ પડે છે, ત્યારબાદ મધ્યપ્રદેશની સરહદ શરૂ થાય છે. આ આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી આ સડક રીકાર્પેટ બન્યો નથી અને હાલ આ હાઇવે રોડની હાલત ખસ્તા હોવા છતાં આ રોડની મરમત પણ કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
અનેક અકસ્માત અને મોતનું કારણ : આ અંગે સ્થાનિક લોકોએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું કે, આ રોડ પર અસંખ્ય ખાડાઓના કારણે 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી, અને આવે તો સમયસર હોસ્પિટલ પહોંચતા નથી. ઘણા કિસ્સામાં દર્દીનું રસ્તામાં જ મોત થઈ જાય છે. તો પ્રસૂતાની ડિલિવરી પણ રસ્તામાં થઈ જાય છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી. ઉપરાંત મસમોટા ખાડાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ રસ્તા બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અનેક રજૂઆત કરી હોવા છતાં આ સરહદી વિસ્તાર અને બે રાજ્યોને જોડતા હાઈવે રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી, તેથી પ્રજાને ખાડામાં પડવાનો વખત આવ્યો છે.