તાપી: સમગ્ર દેશમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા પૂર્વક ચાલી રહ્યો છે. જેમાં અનેક ગણેશ મંડળ દ્વારા મંડળને ભવ્ય ડેકોરેશન કરવામાં આવે છે અને લોકોને આકર્ષિત કરતા હોય છે ત્યારે વ્યારાના શ્રીરામ શેરી ખાતે આવેલ શ્રીરામ ગણેશ મંડળ દ્વારા મંડળના 25માં વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુઓનો આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા ધામ ખાતે નિર્મિત થયેલ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની થીમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન હાલ વ્યારા નગરમાં ખૂબ આકર્ષણનો કેન્દ્ર બની રહ્યું છે.
શ્રીરામજીના મંદિરના દર્શન: વ્યારા નગરના ગણેશ ભક્તો સહિત વિવિધ શાળાના સંચાલકો શાળાનાં બાળકોને આ થીમના દર્શન કરવા માટે આવી રહ્યા છે. મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર ભગવાન રામના ભક્તો અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામજીના મંદિરના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો ભગવાન શ્રીરામજીના મંદિરનાં આ થીમનાં દર્શન કરી આનંદીત થઈ રહ્યા છે.
શ્રીરામ ગણેશ મંડળના સભ્ય નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, 'શ્રીરામ ગણેશ મંડળનું આ 25મુ સ્થાપના વર્ષ છે. જેના ભાગરૂપે અમે અહી શ્રીરામ મંદિરનું આબેહૂબ થર્મોકોલનું મંદિર બનાવ્યું છે. તેના અંદર શ્રીરામજીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. આ મંદિરને જોવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે. નાના સ્કૂલ બાળકોથી લઇને વડીલો પણ અહી આવે છે. સાથે સાથે આ મંડળ દ્વારા બ્લડબેંક ડોનેશન કેમ્પ તથા આંખના ચેકઅપ સાથે વિનામૂલ્યે ઓપરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.'
શ્રીરામના મંદિરને જોવા આવેલ દર્શનાર્થીઓએ જણાવ્યું હતું કે, 'અહી ગણપતિની પ્રતિમાં ખૂબ સરસ છે અને અહી જે અયોધ્યાનું મંદિર છે તે ઘણું સુંદર છે. મંદિરની અંદર રામ ભગવાનની પ્રતિમા પણ મૂકી છે જેથી રામ ભગવાનના દર્શન થાય છે. અમે અયોધ્યા નથી ગયા, પરંતુ અહીજ આપણને અયોધ્યાના દર્શન થઈ ગયા છે.'
આ પણ વાંચો: