અમદાવાદઃ અતુલ સુભાષનો મામલો આજે લગભગ બધાના મુખ પર છે. તેવી જ રીતે આયેશાએ પણ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી ત્યારે પણ આવી જ રીતે ઠેર ઠેર તેના ન્યાય માટે ચર્ચાઓ થતી હતી. એક તરફ અતુલ સુભાષ ન્યાય અપાવવા માટે આજે અવાજ ઉઠી રહી છે, તો બીજી તરફ ચાર વર્ષ પછી પણ આયેશાને ન્યાય નથી મળ્યો, હજુ પણ તે ન્યાય ઝંખે છે. તો શું કારણ છે કે આયેશાના પિતા લિયાકત અલી હજુ પણ આયેશાને ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે ? જુઓ અમારી હૃદય દ્રવી જાય તેવી આ સ્ટોરી.
બેંગ્લોરુંની એક કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરતા 34 વર્ષીય અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. આવી જ રીતે ગુજરાતના અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી આયેશાએ પણ તેના પતિ આરિફથી પરેશાન થઈને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. વર્ષ 2021માં, અને સુસાઇડ પહેલા આયેશાએ વીડિયો બનાવી તેના પતિ આરિફને પણ મોકલ્યો હતો. તે દિવસે તેના પિતા તેને સતત શોધી રહ્યા હતા. તેને આમ કરતાં રોકવા માગતા હતા પણ તે જીવિત ના મળી.
આજે આયેશાના કેસને અતુલ સુભાષના કેસ સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આખરે આયેશાએ આત્મહત્યા કેમ કરી અને તેને આજ સુધી ન્યાય કેમ નથી મળ્યો? અને આજે આ મામલો ક્યાં સુધી પહોંચ્યો છે અમે આજે તમને તેના વિશે જણાવીશું.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આયેશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આયેશાએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, " એં પ્યારી સી નદી મુજે અપને આપમે સમાલે, મેં હવાઓ કી તરહ હું બહેતે રહેના ચાહતી હું. દુવાઓ મેં યાદ રખના."
આયેશાના પિતાએ શું કહ્યું?
આયેશાના પિતા લિયાકત અલીએ જણાવ્યું હતું કે, 25 ફેબ્રુઆરી 2021 ના દિવસે મારી દીકરીએ પતિ આરીફના ત્રાસથી કંટાળીને આ દુનિયાને દીધી હતી. દુનિયા છોડતા પહેલા પતિને ફોન કર્યો હતો અને તેણે મરી જવાની વાત કરી હતી. તેણે એક વીડિયો બનાવીને મોતને વહાલુ કર્યું હતું. આયેશાએ આત્મહત્યા કરતા પહેલા અત્યારે ખાતે 70 મિનિટ વાત કરી હતી. જેમાં પતિએ આયેશાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હતી. આ ઘટનાને ચાર વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી અમને ન્યાય નથી મળ્યો કારણ કે આરીફ જામીન પર આઝાદ ફરી રહ્યો છે. અમારી માંગ છે કે તેની જામીન રદ કરવામાં આવે અને ગુનેહગારને સજા આપવામાં આવે
શું છે હાલની સ્થિતિ?
તો બીજી તરફ આ કેસના વકીલ શોએબ બોહર્યાએ જણાવ્યું હતું કે, આયેશાના કેસમાં પતિ આરોપીને નામદાર કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી પરંતુ આગળ જઈને આરોપી હાઇકોર્ટમાંથી જામીન પર બહાર નીકળી ગયો છે. આ જામીનને રદ કરવા માટે હવે પ્રયત્ન ચાલુ છે.
આ સાથે એડવોકેટ મોહંમદ હુસૈને જણાવ્યું કે, આયેશાએ IPC 448A પ્રમાણે કેસ તે જીવતી હતી ત્યારેજ કર્યો હતો. આ કેસ હજી પણ પેન્ડિંગ છે. અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે આયેશાના પિતા આજે પણ તેના દીકરીના ન્યાય માટે લડી રહ્યા છે. તેમને ખબર છે કે તેમની પુત્રી હવે જીવીત નથી, પણ તેના દોષીને છોડવા તેઓ તૈયાર નથી. ન્યાય સમય પર મળે અને જલદી મળે તેવી સતત માગ કરી રહ્યા છે કારણ કે સમય વહી ગયા પછી ન્યાય મળે તો તેને ન્યાય કહેવો કે કેમ તે પણ નક્કી કરી શકાતું નથી.