જૂનાગઢઃ ચૈત્ર માસની આયંબિલ ઓળી એટલે રસ પરિત્યાગનું પર્વ. ભગવાન મહાવીર સ્વામી દ્વારા કર્મને તોડવા માટે 12 પ્રકારના તપનું સૂચન કરાયું છે. જેમાં 6 બાહ્ય અને 6 આંતરિક તપનો સમાવેશ થાય છે. જૈન ધર્મમાં આજે ચૈત્ર મહિનામાં આયંબિલ ઓળી છે જેમાં રસ પરીત્યાગનું વિશેષ મહત્વ છે. જૂનાગઢના શ્રાવક અને શ્રાવિકાઓએ રસ પરીત્યાગ કરીને આયંબિલ ઓળીમાં ભાગ લીધો છે.
ચૈત્ર મહિનામાં આયંબિલ ઓળી તપઃ જૈન ધર્મમાં 12 પ્રકારના તપને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવવામાં આવેલા આ 12 તપનું ધાર્મિક અને શારીરિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. દર વર્ષે જૂનાગઢમાં ચૈત્ર માસ દરમિયાન જૈન સમાજ દ્વારા આયંબિલ ઓળી તપનું આયોજન થતું હોય છે. આ તપ દરમિયાન પ્રત્યેક વ્યક્તિ રસ પરીત્યાગ કરે છે.
બાફેલા અને મસાલા વગરના વ્યંજનોઃ આયંબિલ ઓળીના તપ દરમિયાન શાકભાજી, તેલ, દહીં, દૂધ, છાશ, ઘી, માખણ મસાલા વગરના વ્યંજનો પ્રત્યેક તપસ્વીઓએ આરોગવાના હોય છે. આ વ્યંજનો દરેક પ્રકારના રસનો ત્યાગ કરીને બનાવવામાં આવે છે. આયંબિલ ઓળીના વ્રત દરમિયાન પ્રત્યેક તપસ્વીએ માત્ર બાફેલું કે પાણીમાં જ બનાવેલું ભોજન ગ્રહણ કરવાની એક પરંપરા મહાવીર સ્વામીએ દર્શાવી છે. ચૈત્ર મહિનાના આયંબિલ ઓળી તપ દરમિયાન પ્રત્યેક તપસ્વીઓએ રસનો ત્યાગ કરવાનો હોય છે. જેમાં ખાખરા, મગના પાપડ, માટીના મટકામા રાખેલું પાણી, ખીચડી, ધાણી, મમરા, દાળિયા, કડવું કરિયાતું, મગ, બાફેલા કઠોળ, તેલ કે વઘારેલા ન હોય તેવા ખમણ, વાલ-ઢોકળીનું શાક અને ઈડલીને આરોગી શકાય છે.
ભગવાન મહાવીર સ્વામી દ્વારા કર્મને તોડવા માટે 12 પ્રકારના તપનું સૂચન કરાયું છે. જેમાં 6 બાહ્ય અને 6 આંતરિક તપનો સમાવેશ થાય છે. ચૈત્ર મહિનામાં આયંબિલ ઓળી છે જેમાં રસ પરીત્યાગનું વિશેષ મહત્વ છે...હિતેશ સંઘવી(જૈન તપસ્વી, જૂનાગઢ)
અમને આયંબિલ ઓળી તપ કરવાથી ખૂબ જ સારુ લાગે છે...જાગૃતિબેન શાહ(જૈન તપસ્વી, જૂનાગઢ)