ગાંધીનગરઃ પોલીસ હવે દારૂની ખેપમાં વપરાતી ગાડીઓનો હરાજી કરશે. ગુજરાત વિધાનસભાએ બહુમતીથી સુધારા વિધેયક પસાર કર્યું છે. ગુજરાતમાં નશાબંધીના કાયદાના અમલવારી પછી રાજ્યમાં અવારનવાર દારૂની ખેપમાં વપરાતા વાહનોના નિકાલ માટે હવે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય અધિનિયમમાં સુધારો કરી સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં હવે ખેપના વાહનોનો નિકાલ હવે કોર્ટના અંતિમ નિર્ણય પહેલાં અને કોર્ટની પરવાનગી સાથે કરી શકાશે.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે, રાજ્યમાં બુટલગેરો હવે દારૂની તસ્કરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તે દારૂના ધંધા કરીને સમૃદ્ધ થઈ રહ્યા છે. જેથી તેમના દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનોને હવે સરકાર હરાજી કરીને તેનો ઉપયોગ સમાજના સારા કામો માટે ઉપયોગ કરશે.
શું કહ્યું હર્ષ સંઘવીએ ગૃહમાંઃ ગૃહમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, લોકતંત્રમાં ન્યાયિક પ્રક્રિયામાં ખામી શોધીને આરોપીઓ ગાડીઓ છોડાવી લે છે અને ઉપરાંત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૨,૪૪૨ જેટલાં વાહનો રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભેગા થઇ ગયા છે. આ વાહનો પોલીસ સ્ટેશનની બહાર મૂકી દેવામાં આવે છે. જેથી આ વાહનોને કારણે ગંદકી થાય છે. વાહનોને કાટ લાગે છે અને વાહનો ખરાબ થઈ જાય અને છેલ્લે આરોપી નહીં પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે. જેથી આવા ગુનામાં પકડાયેલા વાહનોની હરાજી કરી તે રકમનો ઉપયોગ સમાજના અને મધ્યમ વર્ગના ઉત્થાન માટેના કામ કરવામાં ઉપયોગ કરવામાં આવશે.
આરોપી કેસ જીતે તો શું? તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ કેસમાં જો આરોપી સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જશે તો તેને તેના વાહનની હરાજીની કિંમત સાથે દર વર્ષે 5 ટકા ના દરે રકમ ચૂકવવામાં આવશે. જેથી તેની જોડે પણ અન્યાય ન થાય. ગૃહ રાજ્યમંત્રીએ ગૃહના સભ્યોને આ વિધેયકને સર્વ સંમતિથી પસાર કરવાની વાત કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે રાજ્ય સરકારે સુધારો અવાર નવાર કર્યો છે.
જે રીતે ગુજરાતમાં દારૂ પીવાની પરમીટ આપવામાં આવે છે. દારૂની પરમીટ લેવા માટે ચોક્કસ આવક જરૂરી છે. તો ઓછી આવક ધરાવતા સામાન્ય માણસને કોઈ દિવસ મેડીકલ ગ્રાઉન્ડ પર પરમીટ મળશે જ નહીં. ઝોમેટોની જેમ દારૂની ઘેર ડિલિવરી થાય છે. જામનગર જિલ્લામાં 6-7 જિલ્લાની બોર્ડર ક્રોસ કરીને દારૂ આવે છે. તો એ કેવી રીતે આવી રહ્યો છે. તેની ચર્ચા થવી જોઈએ.
2004 થી 2014 ની અંદર 10 કરોડ યુનિટ 2014 થી 2022 દરમિયાન 22 કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું છે. જે ચિંતાનો વિષય છે. પકડાયું અને પકડાયોનો પ્રશ્ન અને તફાવત છે તો શા માટે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાય છે ? ગુજરાતનો દરિયા કિનારો સલામત હોય તો આટલું બધું ડ્રગ્સ કેમ પકડાય છે ? ડ્રગ્સ કોઈ દિવસ નાની હોડીમાં વિદેશથી ના આવે કોઈ મોટા સ્ટીમરમાં જ આવે, તો નાની નાની માછલીઓને પકડી તપાસ રફાદફાં કરવામાં આવે છે.
ડ્રગ્સ અંગે પણ બોલ્યા ગૃહ રાજ્યમંત્રીઃ ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યના પોલીસ મથકોમાં ૩૦૦ જેટલી કરોડો રૂપિયાની પોલીસે નશાબંધીના ગુનામાં જપ્ત કરેલ કિંમતની ગાડીઓ છે. જો કે અંતે પ્રસ્તાવ મત માટે આ બિલ મૂકવામાં આવતા બહુમતીથી નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કાયદો લાગુ કરતા પહેલા તેના લાગુ પડતા સૂચન નિયમમાં ઉમેરવામાં આવશે. રાજ્યમાં અનેક શહેરોમાં ગ્રાઉન્ડ અને પોલોસ મથકમાં જપ્ત વાહનોના ખડકલા થયા છે. હરાજી થતા ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશનમાંથી વાહનો મુક્ત થશે. 2 વર્ષમાં પકડાયેલા 7500 વાહનો મુક્ત થશે. 250 મોંઘી લક્ઝુરીયસ રૂ. 50 કરોડની કાર મુક્ત થશે. 20 લેટરથી વધુ દારૂની હેરાફેરીમાં જો વાહન પકડાય તો તેને નિયમ અનુસાર જપ્ત કરવામાં આવે છે. 7213 વાહન છેલ્લા બે વર્ષમાં જપ્ત થયા છે.