કચ્છ : આદિપુરના શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટે આત્મનિર્ભર ગૌશાળા અભિયાન અંતર્ગત હોલિકા દહન માટે અંદાજે પાંચ લાખ છાણા બનાવવાની નેમ લીધી છે. જેમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે વિવિધ ગૌશાળાના કાર્યકરો, પશુપાલન મંડળની બહેનો તેમજ મહિલા મંડળો દ્વારા છાણા બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત વૈદિક હોળી તેમજ લાકડા બચાવવાનું કાર્ય પણ કરી રહ્યા છે.
છાણાંની ઉપયોગીતા : ઉલ્લેખનીય છે કે, શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. જેના લીધે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે છે. સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસરોથી પણ બચી શકાય છે. દેશી છાણાની ઉપયોગીતા લોકો સુધી પહોંચે છે, સાથે સાથે આ પ્રકારે ગૌશાળાઓ આત્મનિર્ભર પણ બને છે.
જિલ્લા વ્યાપી અભિયાન : આત્મનિર્ભર ગૌશાળા તેમજ છાણા બનાવવા માટેના આ પ્રોજેક્ટને કચ્છમા ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં શ્રી ગૌ સેવા સમિતિ ગાંધીધામ-મીઠીરોહર, ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર-પ્રાગપર મુન્દ્રા, શ્રી આદ્ય ગીર ગૌ ધામ ગૌશાળા -ગાંધીનગર તેમજ વિવિધ પશુપાલન મહિલા મંડળો પણ જોડાયેલા છે.
વૈદિક હોળીનું મહત્વ : ગૌ પ્રેમી રાજુભાઈ ઉત્સવ માહિતી આપતા જણાવે છે કે, વૈદિક હોળીમાં દેશી ગાયના છાણથી બનેલા છાણાનો ઉપયોગ થાય છે. જેનાથી વાતાવરણમાં શુદ્ધિ પ્રવર્તે છે અને ઓક્સિજનમાં વધારો થાય છે. છાણા દહનના તાપ અને ધુમાડાથી માણસના શરીરમાંથી 32 જેટલા રોગોથી મુક્તિ મળે છે એવું આયુર્વેદમાં કહેવાયું છે. ગાયના છાણાં પૂજા, હવન અને યજ્ઞમાં વપરાય છે. સાથે સાથે સ્મશાનમાં અંતિમ સંસ્કારની વિધિમાં પણ છાણનો ઉપયોગ થાય છે.
આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટ : વધુને વધુ લોકો ગાયનાં છાણાંનો ઉપયોગ કરી પર્યાવરણનું જતન થાય તે માટે શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના સ્થાપક મુકેશ બાપટ અને તેમની ટીમ સતત કાર્યરત રહે છે. આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટમાં ગૌ ભક્ત દીપક પટેલ, રાજુ ઉત્સવ, હિતેશ જોષી, એડવોકેટ રચના જોષી, મનીષા બાપટ, કમલેશ મહારાજ, અરજણ રબારી, મધુભાઈ આહીર, ઋતાબેન જાનીનો પણ સહયોગ મળી રહ્યો છે. તો હાલમાં પાતળિયા હનુમાનજી મંદિરની મુલાકાતે આવેલા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાને ટ્રસ્ટ દ્વારા ગોબર સમિધા અર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદે પણ આ પ્રોજેક્ટની સરાહના કરી હતી.