પોરબંદર: શુક્રવારે પોરબંદર-છાયા પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે પાલિકા પ્રમુખે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, પોરબંદર પાલિકામાં અનેક વિકાસના કાર્ય થઈ રહ્યા છે.
ગત વખતે પેન્ડિંગ રહેલા સુકારા તળાવનો નિર્ણય જેમાં સરકારની ગ્રાન્ટ વેટ લેન્ડ માટે સ્પેશિયલ ઇન્ટરનેશનલ આઈડેન્ટીફાઈ થયેલ હોવાથી આ ગ્રાન્ટ ત્યાં ઉપયોગ ન કરી શકાય જેથી કોલીખડાની બાજુમાં સુકારા તળાવ છે, ત્યાં રાજકોટ જેવું જ અટલ સરોવર બનાવી શકાય અને તેમાંથી કાપ કાઢી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ રજૂઆત કરી હતી, ત્યાર બાદ આ અટલ સરોવરનો નિર્ણય લેવાયો છે.
શહેરના વિકાસ માટે અન્ય પણ નિર્ણયો: પોરબંદર આવાસની બાજુમાં અનેક છાયા નગરપાલિકાની જગ્યાઓ છે, જેમાં પેશકદમીઓ છે, નગરપાલિકાનું લાઈટ બિલ ખૂબ જ ઊંચું આવતું હોય છે. આથી સોલાર એનર્જી પ્લાન્ટ આ વર્ષની બાજુમાં જગ્યા છે, ત્યાં સ્થાપવાનો પણ નિર્ણય પણ જનરલ બોર્ડમાં થયેલ છે. આ ઉપરાંત વહીવટી પ્રક્રિયાઓ અંગેનો પણ નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ પાસેના રસ્તા પર ખોડીયાર માતાજીના મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર પણ પાંચ લાખના ખર્ચે બનાવવામાં આવશે, તેમજ વિવિધ વોર્ડમાં સ્નાનાગર કરવાના હતા ત્યાં લતાવાસીઓએ વિરોધ કરતા એ નિર્ણય રદ કરવામાં આવ્યો છે અને નગરપાલિકાની અનેક પ્રોપર્ટી છે, જેમાં 2011માં ભાડા વસૂલતા હતા તેમાં વ્યાજબી ટોકન દર વધારી દેવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો.
શહેરમાં રસ્તાઓની હાલત દયનીય: દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને પોરબંદરના રસ્તાઓની હાલત ખરાબ છે, ત્યારે આ બાબતે પૂછતા પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, પરિપત્ર મુજબ 20 ઓક્ટોબર પછી વરસાદ પડવાનું બંધ થાય છે, પરંતુ આ વખતે વરસાદ લંબાયેલો છે. આથી રોડના રી સર્ફેર્સિંગની કામગીરી મોડી કરવામાં આવશે. આથી ટૂંક સમયમાં આ કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં લાઈટની વ્યવસ્થા પણ કથળી હોય જેથી એ પણ યોગ્ય કરવામાં આવશે તથા રખડતા ઢોર બાબતે 40 લાખની ગ્રાન્ટ મળી છે જેમાં રખડતા ઢોર માટેનું વેક્સિનેશન એનું સ્ટેરીલાઈઝેશન અને ઘાસચારો થાય તેમાં ખર્ચવામાં આવશે. આ ઉપરાંત ઘણા સમયથી બંધ પડેલ કમલાબાગમાં રોઝ ગાર્ડન ખોલવા અંગે પણ જણાવ્યું હતું
![પાલિકા કચેરમાં લિફ્ટની શરૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-10-2024/gj-pbr-01-atal-sarovar-in-porbandar-1030_25102024172652_2510f_1729857412_963.jpg)
પાલિકા કચેરીમાં લિફ્ટની શરૂઆત: પોરબંદરમાં પાલિકાની કચેરી પર વર્ષોથી લિફ્ટ ન હતી, ત્યારે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે રાખી પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારીએ લિફ્ટની શરૂઆત કરી હતી. આ ઉપરાંત કચરાની દરેક વાનમાં પહેલા માત્ર સામાન્ય મ્યુઝિક વાગતું હતું જે બદલીને સ્વચ્છ ભારત કા ઇરાદા વાળું ઓડિયો સોંગ શરૂ કરવામાં આવ્યું છે.