જૂનાગઢ: દેશની લોકસભાનું પરિણામ આવ્યું છે, 2014 અને 2019 ની સરખામણીએ 2024 માં ભાજપ અને નરેન્દ્ર મોદી માટે અપેક્ષિત પરિણામો આવ્યા નથી. પરિણામો પર ખગોળશાસ્ત્રી જયપ્રકાશ માઢકે પોતાના અભ્યાસ અને તારણને અનુલક્ષીને પરિણામોમાં મળેલી સફળતા અને નિષ્ફળતાનો કયાશ કાઢ્યો છે. જયપ્રકાશ માઢકના મતે પહેલા તબક્કાથી લઈને સાતમા તબક્કા સુધી જે દિવસો દરમિયાન મતદાન થયું તે સમયે ગુરુ અને શુક્ર જેવા શુભ અને પ્રભાવી ગ્રહોનો અસ્ત હોવાને કારણે ભાજપ અને નરેન્દ્ર મોદીને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થયા નથી.
મોદીની કુંડળીમાં શનિની પનોતી: ખગોળશાસ્ત્રી જયપ્રકાશ માઢક જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીમાં શનિની પનોતી વૃષીક રાશિમાં અઢી વર્ષ સુધી ચાલી રહી છે, જેને કારણે ધારણા કરતા વિપરીત પરિણામો પ્રાપ્ત થયા છે. માર્ચ 2025 સુધી વૃષીક રાશિમાં શનિની પનોતી ચાલી રહી છે. નરેન્દ્ર મોદી પણ વૃષિક રાશીના જાતક છે, જેથી શનિની પનોતી તેને ધારણા કરતા વિપરીત પરિણામ અપાવ્યું છે. જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ બાપરે અભિજીત મુહૂર્તમાં 12 વાગ્યાને 9 મિનિટ પર ગુજરાતના વડનગરમાં થયો હતો. વધુમાં જેને સૌર મંડળના સૌથી શુભ ગ્રહો માનવામાં આવે છે તેવા ગુરુ અને શુક્રનો અસ્ત થયો હતો, તે ચોથી જૂને ઉદય થવાનો હતો આ દિવસે પરિણામ પણ જાહેર થવાનું હતું પરંતુ, ગુરુ અને શુક્રના અસ્તકાળમાં થયેલું મતદાન ચોથી જૂને ગુરુ અને શુક્રના ઉદય કાળના સમયે ભાજપ અને નરેન્દ્ર મોદીને સફળતા અપાવવામાં બાધક રહી ગયું.
સ્થાઈ સરકાર બનવાને લઈને સંદેહ: ખગોળવિદ જયપ્રકાશ માઢક પોતાની વિધ્યાને આધારે જણાવે છે કે, આવનારા દિવસોમાં બનવા જનારી સરકાર સ્થાયી સરકાર હશે તેવું કહેવું ખૂબ જ મુશ્કેલ છે સરકાર બનવા પછીના આગામી ત્રણ વર્ષ સુધી કેટલાક રાજકીય ભૂકંપો પણ આવી શકે છે. નવી સરકાર દ્વારા કેટલાક નિર્ણયોને લઈને વિવાદ થવાની શક્યતા પણ ગ્રહ દશાને આધારે જયપ્રકાશ માઢક જણાવી રહ્યા છે. વિવાદ બાદ જે તે સમયે સરકારના વડા લોકસભાને ભંગ કરવા સુધીનો નિર્ણય લઈ શકે છે. સરકારના આ સત્તાકાળ દરમિયાન સત્તાધારી પક્ષ હજુ પણ વિપક્ષને તોડશે તેવી ગ્રહ દશા પરથી જોવા મળે છે. મંગળ ગ્રહને સેનાપતિ ગ્રહ તરીકે પણ જ્યોતિષશાસ્ત્રમાં ઓળખવામાં આવે છે, આ સમય દરમિયાન વડાપ્રધાન મોદી કોઈ લશ્કરી પગલા લઈ શકે તેવી શક્યતાઓ પણ તેમની ગ્રહ દશા પરથી જોવા મળે છે.
તાડપત્રીના ભવિષ્ય માલિકા ગ્રંથમાં ઉલ્લેખ: ઓરિસ્સાનો પ્રખ્યાત ધાર્મિક ગ્રંથ તાડપત્રીમાં આવેલા ભવિષ્ય માલીકા ગ્રંથમાં જે ઉલ્લેખ થયો છે તે મુજબ વર્તમાન સરકાર 13 મહિના સુધી ચાલતી જોવા મળે છે ભવિષ્ય માલીકા ગ્રંથ અચુત્તાનંદ અને પંચશખા દ્વારા લખવામાં આવ્યા હતા જે ચૈતન્ય મહાપ્રભુના શિષ્યો હતા. ભવિષ્ય માલીકા ગ્રંથમાં થયેલા ઉલ્લેખ મુજબ 13 મહિનાના આ શાસનકાળ દરમિયાન કેટલાક લશ્કરી પગલા પણ વડાપ્રધાન અને કેન્દ્રની સરકાર દ્વારા લેવાઈ શકે છે ત્યારબાદ ભારતમાં લશ્કરી શાસનની શક્યતાનો ઉલ્લેખ ભવિષ્ય માલિકા ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ઓરિસ્સામાં ભવિષ્ય માલીકા ગ્રંથને ખૂબ જ પ્રભાવી ગ્રંથ માનવામાં આવે છે. તેમાં કેટલાક ઉલ્લેખો મુજબ ભારત પર વિદેશના દેશો આક્રમણ પણ આ સમય દરમિયાન કરી શકે છે.
ગુરુ અને શુક્રનો અસ્ત શંકરાચાર્ય મહારાજ: ગુરુ અને શુક્રના અસ્તકાળમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો થતા નથી બિલકુલ આવા સમયે તમામ સાત તબક્કાની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. જેને લઈને શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી પણ નારાજ હતા. વધુમાં ગુરુને રાજસત્તાનો પ્રબળ ગ્રહ માનવામાં આવે છે, ગુરુ સત્તા અપાવે અને સત્તા છીનવી શકે છે, પણ આવી પરિસ્થિતિમાં ગુરુનો અસ્ત ભાજપ અને નરેન્દ્ર મોદીને મનવાંચીત પરિણામો મેળવવા માટે બાધક બની ગયો.
કોંગ્રેસ માટે રાહુલ કરતાં પ્રિયંકા યોગ્ય: ગ્રહ દશામાં લઈને ખગોળશાસ્ત્રી જયપ્રકાશ માઢક જણાવે છે કે કોંગ્રેસને આ વખતે લોકસભામાં પાછલા 15 વર્ષની સરખામણીએ અપેક્ષા કૃત સૌથી વધુ સીટો અને પરિણામ પ્રાપ્ત થયું છે ત્યારે રાહુલ ગાંધી કરતા પણ પ્રિયંકા ગાંધીની ગ્રહ દશા અને તેની કુંડળી વધુ પ્રભાવી હોવાને કારણે પ્રિયંકા ગાંધી લોકસભામાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ પણ ઊભી થઈ છે. તેઓ સંભવત વાયનાડ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને લોકસભાના સાંસદ તરીકે આવશે. રાહુલ ગાંધી કરતા પ્રિયંકા ગાંધીની કુંડળી અને તેના જન્મના ગ્રહો વધુ પરાક્રમી અને પ્રભાવી હોવાને કારણે પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે રાજકારણમાં ચમત્કાર સર્જી શકવા માટે સમર્થ બની શકે છે.