સુરત: લાંચ રૂશ્વત શાખાએ સુરતમાંથી વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે. સુરત ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક નરેશ જાની નામના આ અધિકારીએ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કવૉડની કામગીરી દરમિયાન હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગી હતી. આ લાંચકાંડમાં ખાણ ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક નરેશ જાની ઉપરાંત કપીલ પ્રજાપતિ નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. બંનેએ ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
ફરિયાદી લાંચની રકમ ન આપવા માંગતા હોવાના પગલે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદના આધારે લાંચિયા અધિકારીઓને ઝડપવા છટકું ગોઠવ્યું હતું જેમાં ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક નરેશ જાની વતી લાંચની રકમ લેવા આવેલ આરોપી કપીલ પ્રજાપતિ નાણાની રકમ સ્વીકારતા આબાદ ઝડપાઈ ગયો હતો. જેની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મુખ્ય આરોપી એવા ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક નરેશ જાની ભૂર્ગભમાં ઉતરી ગયાં છે જેમને શોધવા માટે પોલીસની ટીમે ચક્રોગતિમાન કર્યા છે.