કચ્છ: શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અસ્મિતા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિરોધ બાબતે માતાના મઢ ખાતે ક્ષત્રિય સમાજની સભા પણ યોજવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે અને તેમની ટિકિટ રદ્દ ના થતા રાજપૂતો કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી રહ્યા છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની વાત પણ કરવામાં આવી રહી છે.
દસ તાલુકામાં ધર્મરથ લઈ જવાશે: શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છના માતાના મઢ ખાતેથી રાજકોટ ક્ષત્રિય સમાજનો અસ્મિતા ધર્મરથનું પ્રારંભ કરવામાં આવ્યું છે અને કચ્છના દસ તાલુકામાં આ ધર્મરથ લઈ જવામાં આવશે. અધર્મ સામે ધર્મની વિજય થાય તે માટે આશીર્વાદ મેળવવામાં આવ્યા છે.દરેક સમાજને સાથે રાખીને આગળ વધવામાં આવશે અને ધર્મ માટે કામ કરવામાં આવશે.
કેવી રીતે આવે છે 400 પાર: શ્રી રાજપુત કરણી સેના કચ્છના પ્રમુખ માધુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આજથી 22 દિવસ પહેલા જ્યારે પરશોત્તમ રૂપાલાએ રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેના વિરોધમાં માતાના મઢ ખાતે આવીને દર્શન કરી અને વિરોધ કરવા માટે નીકળ્યા હતા. આજે સમગ્ર દેશમાં આ બાબતને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. આ અહંકારી સરકાર સમક્ષ ધર્મનો વિજય થાય તે માટે દસે દસ તાલુકામાં દસ દિવસનો કાર્યક્રમ છે.તેમજ અહંકારી સરકાર છે તેને પડકારવામાં આવી રહ્યું છે કે હવે ક્ષત્રિયો પણ જોવે છે કે કેવી રીતે 400 પાર થશે. 10 દિવસના પ્રવાસ દરમિયાન ધર્મ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે.