જુનાગઢ: આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર વિશ્વની સાથે ખભાથી ખભો મિલાવીને યોગ દિવસની ઉજવણીમાં જૂનાગઢના મનો દિવ્યાંગ બાળકો પણ જોડાયા હતા. આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનો દિવ્યાંગ બાળકો માટે આજના દિવસે ખાસ વિશેષ યોગ સેશનનું આયોજન કરાયું હતું. જેમાં મનો દિવ્યાંગ બાળકો સાથે જુનાગઢ શહેરના નાગરિકો પણ જોડાયા હતા.
મનો દિવ્યાંગોએ યોગ દિવસ ઉજવ્યો: આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જુનાગઢના મનો દિવ્યાંગ બાળકોએ પણ આજના દિવસે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. મનો દિવ્યાગ બાળકો માટે તાલીમ આપતી જૂનાગઢની આશાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજના દિવસે ખાસ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગના નિષ્ણાંત મહીલા યોગાચાર્યો દ્વારા મનો દિવ્યાંગ બાળકો કરી શકે તે પ્રકારના યોગોનું નિદર્શન કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનો દિવ્યાંગ બાળકોની સાથે જૂનાગઢ શહેરના નાગરિકો પણ વિશેષ યોગ સેશનમાં જોડાયા હતા.
સંયુક્ત યોગ સેશનનું આયોજન: જુનગઢમાં રેડ ક્રોસ હોલમાં આજે સવારે સંયુક્ત યોગ સેશનનું આયોજન કરાયું હતું, જેમાં મનો દિવ્યાંગ બાળકોના વાલીઓની સાથે જૂનાગઢ શહેરના સામાન્ય લોકો પર જોડાયા હતા. સંયુક્ત યોગ સેશન પાછળનું કારણ એ પણ છે કે મનો દિવ્યાંગ બાળકો પોતાની જાતને અન્યથી જરા પણ ઉણા ઉતરેલા મહેસુસ ન કરે તેમજ તેમની સાથે પણ સામાન્ય લોકો યોગમાં જોડાય. તેઓ પણ અન્યની માફક યોગ કરી શકે છે, આવા હકારાત્મક દ્રષ્ટિકોણ પ્રત્યેક દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં પ્રસ્થાપિત થાય તે માટે આજનો આ સંયુક્ત વિશેષ યોગ સત્ર મહત્વનું બનશે. આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસંગોપાત કાર્યક્રમનું આયોજન થતુ રહે છે, જેમાં મનો દિવ્યાંગ બાળકોનો જુસ્સો વધારી શકાય તે માટેના કાર્યક્રમોનું પણ સમગ્ર વર્ષ દરમિયાન આયોજન થતું રહે છે.