પોરબંદર: વસૂલાતના 6 હજાર સરકારમાં જમા ન કરાવવું તલાટીકમ મંત્રીને ભારે પડ્યું, 16 વર્ષે થઈ જેલની સજા - THE COURT SENTENCED TALATI
રાણાકંડોરણા ગામમાં ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીને ઉચાપાત કેસમાં રાણાવાવ કોર્ટે 2 વર્ષની સજા ફરમાવી છે.
Published : Oct 15, 2024, 7:29 PM IST
પોરબંદર: વર્ષ 2007 માં રાણાકંડોરણા ગામમાં ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી મનસુખલાલ માણાવદરીયાએ ફરજ દરમિયાન કરેલા વસુલાતના નાણાની ઉચાપતમાં 2 વર્ષની સજાનું રાણાવાવ કોર્ટે ફરમાન કર્યું છે.
તલાટી કમ મંત્રીએ હોદ્દાનો દુરુપયોગ કર્યો: મળતી માહિતી અનુસાર મનસુખલાલ માણાવદરીયાએ તા. 1 જાન્યુઆરી 2007 થી 22 જૂન 2007 દરમિયાન રાણાકંડોરણા ગ્રામ પંચાયત કચેરીમાં રાજ્ય સેવક તરીકે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન ખાતેદાર ખેડૂતોના નાણાં તથા ઉપરની રકમ વસુલ કરી કાયદેસરની સરકારી રેકર્ડની રસીદો પોતાના સ્વક્ષરોમાં પહોંચો લખીને સહી કરી હતી. વસુલાતના કુલ નાણાં રૂ. 6090 સરકારમાં જમા ન કરાવી અને પોતાના અંગત ઉપયોગમાં લઈ સરકારી કર્મચારી તરીકે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી નાણાંની ઉચાપત કરી હતી.
તલાટીએ વસુલાતના નાણાનો ઉપયોગ કર્યો: જે તે સમયે આ ઉચાપાત અંગેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસના અંતે આરોપી મનસુખલાલ ઉપર વસુલાતના નાણા સરકારમાં જમા નહી કરાવ્યા હોવાનું અને આરોપીએ આ નાણાં પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હોવાનું સામે આવ્યું હતું. આરોપી મનસુખલાલ હિરજીભાઇ માણાવદરીયા વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં સર્કલ ઇન્સ્પેક્ટર હમીરભાઇ નારણભાઇ ચાવડા દ્વારા રાણાવાવ તાલુકા વિકાસ અધિકારીની સુચનાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે આરોપીને સંભળાવી સજા: આ કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં દસ્તાવેજી પુરાવા અને અન્ય પુરાવાના આધારે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જયેશ એલ ઓડેદરાની દલીલના આધારે આરોપી તલાટી કમ મંત્રી મનસુખલાલ માણાવદરીયાને IPC કલમ 409 અનુસાર 2 વર્ષની સાદી કેદ અને રુ. 500નો દંડ ફટકારતો હુકમ જ્યુડિશિયલ મજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાણાવાવ દ્વારા સંભળાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: