બનાસકાંઠા: જિલ્લાના સરહદી થરાદ કંથકમાં ગતરોજ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે વરસાદથી કેટલા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. થરાદ તાલુકાની અરંટવા પ્રાથમિક શાળામાં અને વર્ગખંડમાં વરસાદી પાણી ભરાતા બાળકોને અભ્યાસ કરવો મુશ્કેલ બન્યું હતું, તેથી વરસાદ વિદ્યાર્થીઓ માટે વિઘ્ન બનતા શાળાના બાળકો તેમજ શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાથમિક શાળામાં પાણી ભરાવાના દ્રશ્યો: જીલ્લામાં છેલ્લા બે દિવસથી મેધ મન મૂકીને વરસી રહ્યો હતો. જોકે બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ ઇકબાલગઢ ડીસા સહીત લાખણી થરાદ વાવ સુઈગામે વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. પરિણામે જીલ્લામાં અનેક તાલુકાઓ અને ગામોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ગત રોજ થરાદમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.જેમાં બીજા દિવસે થરાદની અટારવા પ્રાથમિક શાળાના પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ક્લાસ રૂમ હોય કે રમતગમતનું મેદાન જ્યાં જોવો ત્યાં ધુંટણ સુધી પાણી ભરાયા હોવાથી વિધાર્થીઓને અભ્યાસ કરવો મુશ્કિલ બન્યો હતો, ત્યારે વરસાદી પાણી ભરાવાને લઈને વાલીઓ શાળા પહોચી અને તેમના બાળકોને લઈને ધરે પરત ફર્યા હતા.
તાલુકામાં રજૂઆત કરી પણ કોઈ ઉકેલ આવ્યો નથી: અરંડવા પ્રાથમિક શાળાના આચાર્ય દિપકભાઈ ચૌધરી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારૂ ગામ ઊંચાણ વાળી જગ્યાએ આવેલું છે અને અમારી શાળા ગામથી નીચાણવાળા વિસ્તારમાં છે. જેથી વરસાદ પડે ત્યારે આખા ગામનું પાણી શાળાની અંદર આવે છે. જોકે આ બાબતે છ મહિના અગાઉ સરપંચને પણ રજૂઆત કરી હતી, તાલુકામાં પણ રજૂઆત કરી હતી પણ કોઈ ઉકેલ આવ્યો નથી. શાળામાં બે ફૂટ પાણી ભરાઈ જવાથી નાના બાળકોને મોટી મુશ્કેલી પડે છે. કોમ્પ્યુટર રૂમમાં પણ પાણી ભરાઈ જાય છે. દર વર્ષે શાળામાં પાણી આવે છે આ બાબતે રજૂઆત પણ કરેલ છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મામલે આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, "પાણીનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી અમે માંગ કરી છે."
આ પ્રશ્ન વર્ષોથી છે: ગામના સરપંચના પતિ મઘાભાઈ ઠાકોર સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે, આ પ્રશ્ન વર્ષોથી છે અને અમે તંત્રમાં આની રજૂઆત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક આનું નિકાલ લાવી દઇશું, પરંતુ કોઈ પરિવર્તન જોવા મળ્યો નથી.