કચ્છ: સરહદી જીલ્લા કચ્છમાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અને લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીના આકરા તાપના કારણે જનજીવન પર માઠી અસર પડતી હોય છે, ત્યારે લોકો ગરમીથી બચવા અનેક ઉપાયો શોધી લેતા હોય છે. પરંતુ આ અંગ દઝાડતી કાળઝાળ ગરમીમાં અબોલા વન્ય પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. જેમાં કચ્છના વનવિભાગ દ્વારા અભ્યારણ્યમાં અને વિવિધ જંગલોમાં ગરમીથી બચવા તેમજ પ્રાણીઓને પાણી મળી રહે તે માટે ખાસ વન તળાવ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
વન વિભાગમાં કૃત્રિમ વોટર પોઇન્ટ: પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હાલમાં ખૂબ ગરમી વર્તાઈ રહી છે. ત્યારે પશ્ચિમ કચ્છ વનવિભાગમાં આવેલ અભ્યારણ્ય, જંગલ વિસ્તાર તેમજ રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હાજરી હોય છે. જે કુદરતી સ્ત્રોતો છે ત્યાં પાણી હજી પણ ઉપલબ્ધ હોય છે. જ્યારે કુદરતી સ્ત્રોતોમાં પાણી પૂર્ણ થાય છે ત્યારે વનવિભાગ દ્વારા ઠેકઠેકાણે બનાવવામાં આવેલ કૃત્રિમ વોટર પોઇન્ટ એટલે કે વન તળાવ અને અવાડાઓ પર ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચાડવા આવી રહ્યું છે.
કૃત્રિમ તળાવોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા: કૃત્રિમ વોટર પોઇન્ટની વ્યવસ્થા કરતા પહેલાં વનવિભાગ દ્વારા જંગલોમાં ઉપલબ્ધ કુદરતી સ્ત્રોતમાં પાણી ઉપલબ્ધ છે કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ કૃત્રિમ વોટર પોઇન્ટ ઊભા કરતા પહેલાં પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે અને પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે તે માટે વનવિભાગ દ્વારા હાલમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને કામગીરી કરવામાં આવી રહી છે.
ઘાયલ પશુ પક્ષીઓ જણાય તો વનતંત્રને જાણ કરવા અપીલ: આ ઉપરાંત આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પણ ચક્કર આવવા તેમજ ડીહાઇડ્રેશન થતું હોય છે. ત્યારે આવા કોઈ ઘાયલ પક્ષીઓ લોકોને નજરે પડે તો વનવિભાગનો તુરંત સંપર્ક સાધવા અને તેમને યોગ્ય સારવાર આપવા માટે પણ વનવિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પોતાના ઘર પાસે પણ કોઈ એક પાત્રમાં પાણી ભરવા માટે સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે.