ભુજ: ભુજના ચિત્રકારે પીપળાનાં પાંદડા પર શિવજીનું સર્જન કરી આરાધના કરી છે. હિંદુઓનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ભગવાન શિવના શ્રદ્ધાળુઓ ધાર્મિક કાર્યો સાથે શિવજીની પુજા અર્ચના કરે છે ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોષીએ પવિત્ર વૃક્ષ એવા પીપળાનાં પાંદડા પર શિવજીનું સુંદર સર્જન કરી આરાધના કરી છે. જે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યું છે.
માત્ર 4 કલાકમાં તૈયાર કરી ચિત્રકૃતી: લાલજીભાઈ જોષીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં પીપળાના પાનને 7 થી 11 દિવસ પાણીમાં પલાળી રાખ્યું હતું. જેથી તે પારદર્શક જેવું થઈ જાય અને ત્યાર બાદ માત્ર 4 કલાકમાં પીપળાના પાન પર આ ચિત્ર તૈયાર કર્યું છે. ખાસ કરીને પીપળાના પાન પર ખૂબ હળવા હાથે કામ કરવું પડતું હોય છે અને ખૂબ બારીકાઈથી પણ ચિત્ર કરવું પડતું હોય છે. લાલજીભાઈ જોષી શિવભક્ત છે અને તેઓ હંમેશા પોતાની ચિત્રકામની કુશળતા દ્વારા કંઇક જુદું જ સ્કેચ્ તૈયાર કરતા હોય છે.
ચિત્રકલા મારફતે શિવ આરાધના: હાલમાં શ્રાવણ માસમાં શિવભક્ત જપ-તપ દ્વારા તો કોઇ રુદ્રી સહિતનાં અનુષ્ઠાનો કરીને ભોળેનાથને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ભુજનાં ચિત્રકાર લાલજીભાઇ જોષીએ પીપળાનાં પવિત્ર ઝાડનાં પાંદડામાં ભગવાન શિવજીના ચિત્રનું સર્જન કરીને શિવ આરાધના કરી છે.
27 વર્ષોથી કરે છે ચિત્રકળા: લાલજીભાઈ જોષી છેલ્લાં 27 વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે. લાલજી જોષી મુખ્યત્વે પેન્સિલ સ્કેચિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ,સ્ટોન કારવિંગ વગેરે જેવી પેઇન્ટિંગ કરે છે. આમ તો લાલજી જોષી મુખ્યત્વે કચ્છના છે અને તેઓ હંમેશા કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહીર સમાજના મેળા ભરાતા હોય છે. ત્યારે મેળાના દ્ર્શ્યો કેનવાસ પર કંડારતા હોય છે. તો સાથે સાથે કચ્છના સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર પણ બનાવે છે.
ચિત્રકૃતિઓ રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદ પામી છે: ઉલ્લેખનીય છે કે લાલજીભાઈ જાેષી દ્વારા બનાવવામાં આવેલ ચિત્રકૃતિઓ સાઉથ આફ્રિકા,ન્યુ દિલ્હી, નેપાળ તથા સ્પેન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્રપ્રદર્શનમાં પણ પસંદગી પામી ચૂકી છે. તો ગત વર્ષે ઓગસ્ટમાં સાઉથ આફ્રિકામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં વિશ્વભરમાંથી કુલ 340 એન્ટ્રીઓ પસંદગી પામી હતી જે પૈકી ભારતની માત્ર 4 કલાકારોની એન્ટ્રીની પસંદગી પૈકી ગુજરાતની ફક્ત એક ભુજનાં ચિત્રકાર લાલજીભાઈ જોષીની ચિત્રકૃતિ પસંદગી પામી હતી.