સુરત : તાજેતરમાં સુરત શહેરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરોપીના પત્ની અને દીકરી વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે આરોપીએ ઉશ્કેરાઈને યુવકની હત્યા કરી હતી.
નિવૃત્ત ASI ના પુત્રની હત્યા : મળતી માહિતી મુજબ સુરતના સચિન સ્થિત શિલાલેખ એપાર્ટમેન્ટમાંથી ગત 13 ઓગસ્ટના રોજ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ 39 વર્ષીય રવિન્દ્રકુમાર સંતોષ પાટીલ તરીકે થઈ હતી. યુવકના માથે અને કપાળ પર ગંભીર ઈજાના નિશાન હતા.
હત્યાનો આરોપી ઝડપાયો : આ સમગ્ર મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક રીટાયર્ડ ASI નો પુત્ર છે અને તેની પત્ની અને પુત્ર હાલ નાસિકમાં રહે છે. આ મામલે સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં સચિન પોલીસે તપાસ હાથ ધરી 41 વર્ષીય આરોપી જીતેન્દ્ર કૈલાશભાઈ રાણેને ઝડપી પાડ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો વતની આરોપી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.
શું હતો મામલો ? પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક રવિન્દ્રકુમાર સંતોષ પાટીલ અને આરોપી બંને મિત્રો છે. બનાવની રાત્રે બંને રવિન્દ્રકુમાર સંતોષ પાટીલના ઘરે હતા. આ દરમિયાન રવિન્દ્રએ તેની કોઈ સ્ત્રી મિત્ર સાથે શરીર સંબંધ બાંધવા જવાની વાત કરી મકાનેથી ગયો હતો. પરત આવતા આરોપીએ પણ રવીન્દ્ર પાટીલને સ્ત્રી મિત્રને રૂમમાં લઇ આવવાની વાત કરી હતી.
ગુસ્સામાં આવીને રવિન્દ્રકુમાર સંતોષ પાટીલે આરોપીને તેની પત્નીને રૂમ પર લઇ આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ગુસ્સામાં આવી આવેશમાં રસોડામાં જઈ આરોપી જીતેન્દ્ર કૈલાશ રાણે ગેસનો બાટલો લઇ આવ્યો અને રવીન્દ્રના મોઢા પર ઉપરા છાપરી મારી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ કાર્યવાહી : આ બનાવ અંગે સુરત પોલીસ DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, સુરતના સચિન સ્થિત શિલાલેખ એપાર્ટમેન્ટમાં રહેતા રવિન્દ્રકુમાર સંતોષ પાટીલની લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી હતી. આ મામલે CCTV ફૂટેજની તપાસ કરતા જીતેન્દ્ર કૈલાશભાઈ રાણે ત્યાં એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે ગોળ-ગોળ વાત કરીને પોલીસને ગુમરાહ કરી હતી. જોકે, આખરે દોઢ દિવસની પૂછતાછ બાદ તેણે સમગ્ર મામલે કબૂલાત કરી હતી.