ગાંધીનગરઃ અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને વિધિવત રીતે પોરબંદર ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ જણાવ્યું કે, મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામ આપ્યું છે. કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામ આપ્યું છે. હું વર્ષ 1982માં કોંગ્રેસમાં વિદ્યાર્થી કાળથી જોડાયો હતો. કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બાદ વિરોધ પક્ષ નેતા અને પ્રદેશ અધ્યક્ષ બન્યો હતો. ઘણા સમયથી હું કાંગ્રેસથી નારાજ હતો. પોરબંદર બેઠક પરથી 3 વાર ધારાસભ્ય પદે ચૂંટાયો છું.
સામાજિક પરિવર્તન લાવવામાં નિષ્ફળઃ રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ લાવવાની ભૂમિકામાં હું નિષ્ફળ ગયો હતો. કોંગ્રેસ પક્ષમાં મેં લોહી, પરસેવો બંને આપ્યા હતા. પોરબંદર જિલ્લાના શુભેચ્છકો અને ટેકેદારોની લાગણી હતી કે કોંગ્રેસમાં પરિવર્તન લાવવામાં સફળ થઈશ નહીં. તેથી, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદે અને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
રામ મંદિર મહોત્સવનો અસ્વીકારઃ વધુમાં તેમણે જણાવ્યું કે, જનતાની લાગણી જે રાજકીય પક્ષ ગુમાવે તે માત્ર એનજીઓ બની જાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર બન્યું હતું. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમંત્રણ ફગાવ્યું હતું. મેં કોંગ્રેસ પક્ષના નેતૃત્વને જણાવ્યું કે આ નિર્ણય જનભાવના વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતૃત્વને મેં જણાવ્યું કે આપણે આવા નિર્ણયો ન લેવા જોઈએ. કોંગ્રેસ પક્ષનો પ્રજા સાથેના સંવાદમાં કચાશ રહી છે. મેં કોંગ્રેસ નેતાઓને સમજાવવાની કોશિશ કરી પણ હું નિષ્ફળ રહ્યો છું.
કોંગ્રેસ વિચારે કે મારા જેવા કાર્યકરો કેમ કોંગ્રેસ છોડે છે?: અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. મારા રાજકીય જીવનની નવી શરૂઆતમાં બધા મિત્રોને પૂછીને કરીશ. કોંગ્રેસ નેતૃત્વએ વિચારવાનું છે કે મારા જેવા કાર્યકર્તાએ કેમ પાર્ટી છોડવી પડે છે. કોંગ્રેસમાંથી સૌથી વધારે ગુજરાતમાં પ્રવાસ કરનાર અને કાર્યક્રમ આપનાર કાર્યકર હું હતો. કોંગ્રેસના નેતાઓ કેમ પક્ષ છોડી રહ્યા છે તેનું આત્મા મંથન મારે નહીં કોંગ્રેસને કરવાનું છે. મારે કોઈની સામે ફરિયાદ નથી. રાજીનામું આપતી વખતે મેં તમામ કોંગ્રેસ નેતાનો આભાર માન્યો છે. જે રીતે કોંગ્રેસ ચાલે છે તેના પરિણામો આપણી નજર સામે છે. કોંગ્રેસે આત્મ મંથન કરવાની જરૂર છે. કાર્યકર્તા અને આત્માના અવાજના આધારે અમે આ નિર્ણય કર્યો છે.