મોરબી: મળતી વિગત મુજબ તાવ સહિતની જુદી જુદી તકલીફોથી પીડિત પડધરી તાલુકાના 7 વર્ષના એક બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક સ્પેશિયલ વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ તેના સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે હાલ આ બાળકની તબિયત સંપૂર્ણ સ્થિર હોવાનું સામે આવ્યું છે. છતાં ડૉક્ટર્સ દ્વારા આ બાળકને ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં મોરબી તેમજ પડધરી સહિતના વિસ્તારોમાંથી 5 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. આ તમામ દર્દીઓનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ આ પાંચેય દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું હતું અને ચાંદીપુરા વાયરસ માટે ખાસ વોર્ડ ઉભો કરવા સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. પડધરી તાલુકાનો 7 વર્ષનો બાળક સંક્રમિત હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાળક 2 મહિના પહેલા દાહોદથી આવ્યો હતો. તેમજ તેનામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને તાત્કાલિક આ બાળકને સ્પેશિયલ વોર્ડમાં ખસેડી તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનો દાવો સિવિલ તંત્રએ કર્યો છે.