સુરત: મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્ન બાબતે એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે. એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે, પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પ્રસાર થાય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે.
તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી: સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી. પરંતુ હજી સુધી શહેરના મોટાભાગના રસ્તાઓ રિપેર થયા નથી. મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, તેના કારણે હતા એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે.
સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં: ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હયું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે. શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે, જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કર્યા છે. તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ 60 સેકન્ડે સિગ્નલ ખુલે તો પણ ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે. સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છતા સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે.