ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. રાજાધિરાજ રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવાયો હતો. વર્ષોથી ચાલી આવતી મંદિરની પરંપરા મુજબ આ અન્નકૂટ ભાવિકો દ્વારા લૂંટવામાં આવ્યો હતો.
આજુબાજુના ગ્રામજનો દ્વારા અન્નકૂટ લૂંટાય છે: ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનાં મંદિરમાં 151 મણનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવે છે. જે અન્નકૂટનું વિશેષ મહત્વ એ છે કે, આ પ્રસાદ વહેંચવામાં આવતો નથી. પરંતુ ભાવિકો દ્વારા તેને લૂંટવાની પ્રથા છે. આ પ્રસાદને લૂંટવા માટે મંદિર દ્વારા આસપાસનાં 80 ગામોનાં ગ્રામજનોને લેખિતમાં આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ અન્નકૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે. જે પ્રસાદ ભાવિકોને પણ આપવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે, આ પ્રસાદને આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે.
રાજાધિરાજને 151 મણનો અન્નકૂટ: રાજાધિરાજ સન્મુખ ધરાવવામાં આવેલા અન્નકૂટમાં કેસર, ચોખા, બેસન, મોરસ સહિતની સામગ્રીની વિવિધ વાનગીઓ તેમજ શુદ્ધ ઘીની વિવિધ મીઠાઈ ધરાવવામાં આવી હતી. સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવે છે. સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેના ઉપર ગાયનું શુધ્ધ ઘી લગાવવાંમાં આવે છે. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલે છે.
ભગવાન અન્નકૂટ લૂંટાવે છે: ભગવાનને અન્નકૂટનો ભોગ ધરાવાયો છે. ભગવાને ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તેવો ભાવ કરી ઊંચો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટમાં ભાત, બુંદી સહિતની બધી જ વસ્તુઓ મૂકવામાં આવે છે. જે અન્નકૂટ આસપાસના ગામોના આમંત્રણ આપીને બોલાવાયેલા ભાવિકો દ્વારા લૂંટવામાં આવે છે. ભગવાન અન્નકૂટ લૂંટાવે છે.
આ પણ વાંચો: