બનાસકાંઠા: અંબાજી હાઈવે પર જતાં વડગામ તાલુકાના મુમનવાસથી અંદર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું કુદરતી રમણીય સ્થળ એટલે પાણીયારી અહીં 1700 વર્ષ પહેલા ગુરુ ધુધળીનાથ દ્વારા એક આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન આશ્રમના ગુરુ ધૂંધળીનાથ દ્વારા ગરીબોના દુઃખડા દૂર કરાતા હતા એવું લોકોમાં માનવામાં આવે છે. લોકો તેમના આશીર્વાદ લેવા પહોચતા અને તેમના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી. જેથી આજેય ભક્તો અહીં દર્શન માટે પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી તેમની આસ્થા છે.
અન્નક્ષેત્ર પણ મહારાજ દ્વારા ચલાવવામાં આવે: સમય જતાં અહીં ધૂંધળીનાથ બાપાની મૂર્તિ સ્થાપવામાં આવી. જેના દર્શન અર્થે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સમગ્ર આશ્રમની સારસંભાળ બાળક રામગીરી મહારાજ દ્વારા કરવામાં આવે છે. અને બારે મહિના અહીં અન્નક્ષેત્ર પણ આ મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ જેમનો કોઈ સહારો ન હોય તેવા વ્યક્તિઓને પણ અહીં આશ્રમમાં રાખવામાં આવે છે. તેમને બધી જ સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે.
વસંત પંચમીએ મોટો મેળો ભરાય: ગુરુ ધુધળીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના પ્રસંગે શ્રાવણ માસના સોમવારે ગુરુનો લોટ કરવાનો અહીં મહિમા છે. આજેય પાણીયારી તળેટીના આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત ઉપર ચડી પૂજા પણ કરે છે.
ઝરણામાં નાહવાની સાથે પીકનીક પોઇન્ટની પણ મજા: સાથે જ ચોમાસામાં આ આશ્રમ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે હોવાથી ઝરણા અને લીલી હરિયાળીથી નયનરમ્ય બને છે. અહીંયા લોકો ફરવા આવતા હોય છે. દર્શન સાથે લોકો ઝરણામાં નાહવાની સાથે પીકનીક પોઇન્ટની પણ મજા માણતા હોય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ચોંમાસાના આ પીકનીક પોઈન્ટ પર લોકોની ભારે ભીડ જામે છે. જેના કારણે પણ આ પાણિયારી આશ્રમ આજે ખુબજ જાણીતો બન્યો છે.