આણંદ : આણંદ જિલ્લા પંચાયત ભવન ભક્તિના રંગાયેલું જોવા મળ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને પંચાયત કચેરીમાં સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્પોર્ટ્સ અને રિક્રીએશન ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ સમાનપણે ભક્તિરસમાં ડૂબ્યાં હતાં.
પંચાયત કચેરીમાં ભક્તિરસ વહ્યો : આ પ્રસંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને શેરી મહોલ્લા મંદિર તમામ જગ્યાએ ભજન તથા સુંદરકાંડનું આયોજન કરવા આહ્વાન કર્યું છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિન નિમિત્તે આણંદ જિલ્લાના ગામે ગામ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ વરઘોડા કાઢીને તેમજ આરતી કરીને આ મહાપર્વની ઉજવણી કરી છે...હસમુખભાઈ પટેલ (જિલ્લા પંચાયત પ્રમુખ)
સુંદરકાંડના પાઠ : શ્રી રામ વંદના કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ તથા ધારાસભ્ય યોગેશભાઈ પટેલે શ્રી રામ તથા હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતાં.
અધિકારીઓ દ્વારા રામ સ્તુતિનું ગાન : પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચયત તથા વિવિધ વિભાગના અધિકારી-પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ઊલેખનિય છે કે સમગ્ર આયોજનમાં આણંદ જિલ્લા પંચાયત ભવન સંપૂર્ણ રામ ભકિતમાં લીન થઈ ગયુ હોય તેવા આધ્યાત્મિક વાતાવરણનું સર્જન થયું હતું. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ એક સાથે રામ સ્તુતિનું ગાન કરીને પ્રભુ ચરણમાં ભક્તિરૂપી પુષ્પો અર્પણ કરીને કાર્યકમને શરુ કરાવ્યો હતો.