આણંદ : ગુજરાતના ઇતિહાસના કેટલાક ગોઝારા અકસ્માત માનવ મન પર ઘેરી છાપ છોડી ગયા છે. અમદાવાદના એસજી હાઇવે પર તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસ જેવો જ એક બનાવ આણંદમાં બન્યો છે. આણંદ જિલ્લામાં એક ઐયાશ નબીરાએ કારથી અકસ્માત સર્જી ચાર લોકોનો ભોગ લીધો છે. આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે વિદ્યાર્થીઓ શાંતિ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી રહ્યા છે.
હિટ એન્ડ રન : આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નાવલી-નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે બેફામ ગાડી હંકારી 7 વ્યક્તિને અડફેટે લીધા હતા, જેમાંથી 4 લોકોના મોત થયા હતા. આ બનાવને પગલે અમદાવાદ તથ્ય કાંડની યાદ તાજી થઈ હતી. પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ પટેલ સામે IPC કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધ્યો છે.
4 નિર્દોષનો ભોગ લેવાયો : નાપાડ ગામના સહકારી આગેવાનો પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે નાપાડ - નાવલી રોડ દહેમી પાસે આગળ અર્ટિગા કાર બેફામ ચલાવી એક પછી એક એમ ત્રણ બાઈકને અડફેટે લઈ સાતથી વધુ લોકોને ઈજા પહોંચાડી હતી. જોકે બાદમાં સારવાર દરમિયાન બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નિપજયા હતા. જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થઈ હતી. જેનીશ પટેલ અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થયો હતો.
જેનિસ પટેલ કાંડ : ગુરુવારે પાર્ટી આપીને પરત ફરી રહેલા જેનીસ પટેલ નશામાં હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે હાલ જેનિસ સામે કલમ 304 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં જેનીશ પટેલની ખાનગી હોસ્પિટલ બહારથી અટકયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જે બાદ વધુ માહીતી સામે આવી શકશે. જેનિશ પટેલ લંડનથી ભારત પરત ફર્યા હતો અને આગામી દિવસોમાં લંડન પરત જવાનો હતો. આથી આણંદ પોતાના મળતિયાઓને પાર્ટી કરાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે નશામાં ધૂત બનેલા નબીરાએ અકસ્માત સર્જી ચાર લોકોનો ભોગ લીધો હતો.
આણંદમાં જનઆક્રોશ : આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનું દર્દનાક મૃત્યુ નિપજ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મૃતક વિદ્યાર્થીઓ રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત હોમિયોપેથીક કોલેજમાં ભણતા હતા. તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બેનર તથા પોસ્ટર સાથે મૃતકોને શાંતિ પૂર્ણ રીતે મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોલેજના પાછળ રોકડીયા હનુમાન મંદિર પાસે એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ અકસ્માત સર્જનાર જેનીશ પટેલને સખત સજા કરી ફાંસી આપવાની માંગ કરી હતી.