જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને કેટલાક ગુરુકુળોમાં સ્વામીઓ દ્વારા કરવામાં આવેલા વ્યભિચારને લઈને પ્રથમ વખત જૂનાગઢ તાબાના 750 જેટલા ગામોના હરિભક્તોએ આજે સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા કેટલાક સાધુઓ સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તમામ સાધુઓને તાકીદે મંદિર પ્રશાસન અને ગુરુકુળમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જૂનાગઢ કોઠારી સ્વામીને આપ્યો હતો.
સ્વામિનારાયણ સાધુની સામે હરિભક્તો મેદાને: સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા વ્યભિચાર આચારવામાં આવી રહ્યો છે. આવી અનેક ફરિયાદ અને કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. તેમ છતાં આ સાધુની સંખ્યા ઘટતી નથી અને વ્યભિચારના કિસ્સાઓ બંધ થવાનું નામ લેતા નથી. જેના વિરોધમાં આજે પ્રથમ વખત સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત: જૂનાગઢ મંદિર સાથે જોડાયેલા 750 જેટલા તાબાના ગામોના લોકોએ સોમવારે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે કરીને વ્યભિચારમાં લિપ્ત જોવા મળતા સાધુઓને તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને સુપ્રત કર્યો હતો. આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સમગ્ર મંદિર પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો.
ગુરુકુળને બંધ કરવાની કરી વાત: વિરોધ પ્રદર્શન માટે આવેલા જૂનાગઢ તાબાના 750 ગામના પ્રતિનિધિ મહેશભાઈએ ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્યની વડી અદાલત દ્વારા એક ચુકાદો આપ્યો છે, તેનું પાલન સંપ્રદાયના મંદિરો અને ગુરુકુળોમાં થતું નથી. જેને કારણે વ્યભિચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા ગુરુકુળ સ્થાપવાને લઈને કોઈ નિર્દેશો આપવામાં આવ્યા નથી તેમ છતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલાક બહારના લેભાગુ તત્વો દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખોલીને આ પ્રકારના વ્યભિચારને પ્રોત્સાહન આપતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
મહિલાઓનું શોષણ થયું: સ્વામિનારાયણ મંદિરમાં સંખ્યાયોગી બહેનોને પણ સ્વામીઓ દ્વારા હડધૂત કરવામાં આવે છે અને તેનું પણ કેટલાક કિસ્સામાં શોષણ થયું છે. તેની સામે હવે સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં રોષ ભભુક્યો છે. આવા સંતોને તમામ જગ્યાએથી દૂર કરવામાં આવે નહીંતર હરિભક્તો દ્વારા આ લંપટ સાધુઓને ફરી પાછા સંસારમાં ધકેલી દઈને સ્વામિનારાયણ સંપ્રદાયને વ્યભિચાર મુક્ત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.