કચ્છઃ કચ્છના મુન્દ્રા પાસેના વડાલા ગામ પાસેની ખાનગી કંપની નીલકંઠ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. લોખંડની ચેનલના સેડ નિર્માણના કાર્ય માટે બનાવાયેલું માચડું તૂટી પડતા 18 જેટલા પરપ્રાંતીય મજૂરો ઘાયલ થયા હતા. જેમાં 1 મહિલા કામદારનું મૃત્યુ નિપજ્યું હતું. ઘાયલોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી 8 જેટલા શ્રમિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લોખંડની ભારેખમ પ્લેટફોર્મ ચેનલ તૂટીને પડતાં સર્જાઈ દુર્ઘટના
ખાનગી કંપનીમાં કામગીરી દરમ્યાન લોખંડની ભારેખમ પ્લેટફોર્મ ચેનલ તૂટીને પડતાં શ્રમિકોને ઇજા પામી હતી. જેમાં 18 વર્ષીય યુવતીનું મોત થયું છે. ગઈ કાલે સાંજે લોખંડની ભારેખમ પ્લેટફોર્મ ચેનલ તૂટીને નીચે કામ કરતા શ્રમજીવીઓ પર પડી હતી. આ દુર્ઘટનામાં 18 જેટલા શ્રમીકો ઘાયલ થયા હતા જે પૈકી એકની હાલત નાજૂક તો ચાર જેટલા શ્રમિકો આઈસીયુમાં છે. ઘટનામાં ઘાયલ થયેલા શ્રમિકોને ગાંધીધામની સ્ટર્લિંગ, ડિવાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

18થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું
સૂત્રોના જણાવ્યા મુજબ એક સમયે કંપનીના જવાબદારો દ્વારા મામલો દબાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને માત્ર 7 જેટલા લોકોને ઇજા થઇ હોવાનું જાહેર કર્યું હતું. જો કે બાદમાં પોલીસે તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે, ઘટનામાં 18થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમીક માહિતી મુજબ લોખંડની ચેનલના સેડ નિર્માણ કાર્ય માટે તૈયાર કરાયેલા ચેનલ પર મર્યાદા કરતા વધુ સંખ્યામાં શ્રમિકો કામ કરતા હોવાથી તે તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ દુર્ઘટના કઈ રીતે ઘટી અને કોની બેદરકારીને લઈને ઘટના સર્જાઈ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને શ્રમિકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે ત્યારે સેફ્ટીના સાધનો અંગે પણ તપાસ કરવામાં આવશે. કચ્છમાં અવારનવાર કંપનીઓ દ્વારા કામદારોની સુરક્ષા માટેની અપુરતી વ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય છે.