સુરત : તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડીમાં રૂ.150 કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતીકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ (PLI) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.2.51 કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે.
સુમુલ કોન મેકિંગ પ્લાન્ટ : સાંસદ સીઆર પાટીલના હસ્તે આ પ્લાન્ટને ખુલ્લો મુકાયો હતો. આ તકે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, સહકાર રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન મુકેશ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન કુંવરજી હળપતિ, શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ પાનશેરીયા તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
સુમુલ ડેરીનો વિકાસમાં ફાળો : રાજ્યના તમામ દૂધ સંઘ પૈકી સુરત જિલ્લાના નવી પારડીમાં સર્વપ્રથમ ઇનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સી. આર. પાટીલે જણાવ્યું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે. ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગના વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે.
સુમુલ ડેરીનો પારદર્શક વહીવટ : સુમુલ ડેરીમાં રોજ 27 લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં 80 ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટના કારણે સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે. એટલું જ નહીં રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
પશુપાલકોના વિકાસમાં યોગદાન : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી પશુપાલકોને સ્વરોજગારીની તકો આપવા સાથે સ્વનિર્ભર બનાવી રહી છે. અગાઉ રાજ્યની તમામ ડેરીઓ આઈસ્ક્રીમના કોનની ખરીદી પ્રાઈવેટ સંસ્થાઓમાંથી કરતા હતા. પરંતુ હવે કોન મેકિંગ સુમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યની તમામ ડેરી સુમુલ પાસેથી કોનની ખરીદી કરશે. જેથી સુમુલની આવકમાં વૃદ્ધિ થશે, તેનો સીધો ફાયદો પશુપાલકોને થવાનો છે. પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થતાં તેમનું જીવનધોરણ ઉન્નત થશે. પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો બહોળો લાભ પશુપાલકોએ લેવો જોઈએ.
ગુજરાતનું સહકારી મોડેલ : આ પ્રસંગે સહકાર રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે. એવી જ રીતે ગુજરાતના સહકારી મોડેલનો પણ સ્વીકાર થયો છે. સરકારે આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે સહકારી ચળવળને વેગવાન બનાવી નાના ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કર્યા છે. વડાપ્રધાનના દૂરદર્શી વિઝન હેઠળ દેશમાં અલાયદુ સહકાર મંત્રાલય સ્થાપિત કર્યું જેના થકી દેશના સહકાર ક્ષેત્રની વિશેષ અને અવિરત કાળજી લેવામાં આવી રહી છે.
ઉદ્ઘાટન કાર્યક્રમ : આ પ્રસંગે ધારાસભ્ય સર્વ સંદિપભાઈ દેસાઈ, ગણપતસિંહ વસાવા, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ, વાઈસ ચેરમેન રાજુભાઈ પાઠક, સુમુલના મેનેજિંગ ડિરેક્ટર અરૂણભાઈ પુરોહિત, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, વિવિધ સહકારી મંડળીના પ્રમુખો, પ્રતિનિધિઓ, સુમુલના ડિરેક્ટરો, સહકારી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.