અમરેલી: જિલ્લાના લાઠી તાલુકાના દુધાળાના વતની અને ઉદ્યોગપતિ પદ્મશ્રી ડો. સવજીભાઇ ધોળકીયા દ્વારા ગાગડીયો નદી પર નમુનેદાર જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળાનું સર્જન કરવામાં આવ્યું છે. તે પૈકીના ભારત માતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મીએ લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર પણ વ્યસ્ત બની ગયું છે.
તમને જણાવી દઈએ કે, લાઠી તાલુકાના દુધાળામાં સવજી ધોળકિયાના નિવાસ સ્થાન હેતની હવેલી ખાતે આગામી તારીખ 28ના રોજ ભારત માતા સરોવર લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. અહી વડાપ્રધાનના હસ્તે સરોવરનું લોકાર્પણ કરાશે. પરિણામે દુધાળા ખાતે જિલ્લાભરના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર મુલાકાતનો દોર શરૂ થયો છે.
ઉપરાંત લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં વડાપ્રધાન આવી રહ્યાં હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં હેલીપેડ, વાહન પાર્કિંગ, સભાખંડ બનાવવા માટેની તમામ સુવિધાઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે તૈયારીઓ માટે અધિકારીઓ સ્થળની મુલાકાત લઇ રહ્યા છે અને જરૂરી સમીક્ષા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 11મી સપ્ટેમ્બર 2017માં નરેન્દ્ર મોદી અમરેલીમાં આવ્યા હતા, ત્યારે અન્ય એક સરોવર અહીં ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ 7 વર્ષ પછી વડાપ્રધાન ફરી જિલ્લામાં આવી રહયા છે અને તેઓ એક નવા સરોવરનું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો: