અમરેલી : હાલમાં જ અમરેલી જિલ્લામાં ACBની વધુ એક વખત ટ્રેપ સફળ રહી છે. અમરેલી જિલ્લાના પાલીતાણા શેત્રુંજી હેઠળ આવતી રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જના RFO યોગીરાજસિંહ રાઠોડ તેમજ અન્ય એક કર્મચારી બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.
અમરેલીના લાંચિયા અધિકારીઓ : અમરેલી જિલ્લામાં ACBની વધુ એક વખત ટ્રેપ સફળ રહી છે. અમરેલી જિલ્લામાં જાગૃત નાગરિકે ફરીયાદ નોંધાવી હતી. જે અનુસાર રાજુલા રેન્જ ફોરેસ્ટ વિભાગમાં સિવિલ બાંધકામના કોન્ટ્રાક્ટ મંજૂર થયા હતા. જેમાં અધિકારીએ લાંચની માંગણી કરી હતી. લાંચ પેટે ફરિયાદીએ રુપિયા 90,000 આપ્યા હતા. આમ છતાં લાંચની રકમ માંગવાની ચાલુ રાખી હતી.
ACB ટીમનું સફળ છટકું : લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી જાગૃત ફરિયાદી દ્વારા ACB અધિકારીને જાણ કરવામાં આવી હતી. આથી ACB ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં RFO યોગીરાજસિંહ રાઠોડ અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારી વિસ્મય દિનેશભાઈ લાંચના નાણાંની સ્વીકારી રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
બે આરોપી રંગે હાથ ઝડપાયા : ગીર સોમનાથ જિલ્લાના ACB અધિકારીઓ તેમજ ટીમ દ્વારા રાજુલા રેન્જ કચેરીમાં ટ્રેપ ગોઠવી આરોપીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારી આરોપીને ઝડપી પાડી તેમના સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ACB ની સફળ ટ્રેપ થતા અમરેલી જિલ્લાની અંદર હાહાકાર મચી ગયો હતો.