જુનાગઢ: આવતી કાલે અંતિમ તબક્કાનો મતદાન યોજાવા જઈ રહ્યું છે, એવામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરીને 24 કલાક ત્યાં રહેવાના છે, આ દરમિયાન તેઓ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની સાથે સોમનાથના વિકાસ કાર્યોની ચર્ચા પણ કરવાના છે.
આજે અમિત શાહ સોમનાથમાં: સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આવતી કાલે યોજવા જઈ રહ્યું છે, તેની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ ના કન્યાકુમારીમાં ભગવતી અમ્મન મંદિરમાં પૂજા કર્યા બાદ વિવેકાનંદ રોક મેમોરિયલ માં 1લી જૂન ની સાંજ સુધી ધ્યાન સાધનામાં જોવા મળશે ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ પણ આજે બપોર બાદ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ તેમના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરશે. અમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા બાદ નિયમિત રીતે સોમનાથના દર્શન અને મુલાકાતે આવી રહ્યા છે.
અમિત શાહ પરિવાર સાથે કરશે દર્શન: સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવ મંદિર સમક્ષ ધ્વજા, પૂજા સોમેશ્વર મહાપૂજા ની સાથે સોમનાથ મંદિરમાં મહાદેવ પર વિવિધ દ્રવ્યોના અભિષેક સાથે મહાદેવની પૂજા કરતા પણ જોવા મળશે. જેમાં તેમના ધર્મ પત્નીની સાથે પરિવારના અન્ય સભ્યો પણ જોડાશે. આજે આખો દિવસ અમિત શાહ સોમનાથમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને ખાસ કરીને મહાદેવની આરતીમાં પણ સામેલ થાય તેવી શક્યતાઓ છે. આ સિવાય તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાને નાતે પણ સોમનાથ મંદિર ટ્રસ્ટના વિકાસ કાર્યોને લઈને ટ્રસ્ટીઓ સાથે બેઠક પણ કરી શકે છે.
પરિણામ કે મતદાન પૂર્વે અમિત શાહ સોમનાથમાં: પાછલા કેટલાક વર્ષોનો ઇતિહાસ તપાસીએ તો, ગૃહ પ્રધાન અમિત શાહ કોઈ પણ મહત્વની ચૂંટણીઓના મતદાનના આખરી તબક્કામાં અથવા તો મતગણતરી શરૂ થવાના પૂર્વે સોમનાથ મહાદેવની પૂજા કરવા માટે અચૂક આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની પાછલી ચૂંટણીઓ દરમિયાન પણ અંતિમ તબક્કાના મતદાનમાં અમિત શાહ સોમનાથમાં અચૂક હાજર જોવા મળ્યા હતા. મતગણતરી પૂર્વે પણ ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અચૂક આવી રહ્યા છે. તેમની આ પરંપરા આજે જળવાતી જોવા મળે છે. સાતમા તબક્કાનું અને અંતિમ મતદાન આવતીકાલે યોજવા જઈ રહ્યું છે ત્યારે અમિત શાહની સોમનાથમાં હાજરી સૂચક માનવામાં આવે છે. આ સિવાય ચોથી તારીખે મત ગણતરી પણ હાથ ધરવામાં આવશે આવતી કાલના મતદાન પૂર્ણ થયા બાદ હવે ચૂંટણીને લઈને કોઈ રાજકીય ગતિવિધિ જોવા મળશે નહીં, જેને કારણે મતદાનના દિવસે અને મતગણતરી પૂર્વે અમિત શાહની સોમનાથમાં હાજરી મતદાન અને લોકસભાના પરિણામોને લઈને પણ સૂચક માનવામાં આવે છે.