પોરબંદર : લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ તરફથી અબ કી બાર 400 પારના નારા સાથે જોશભેર ઉમેદવારોની પ્રચાર સભાઓ યોજાઇ રહી છે. ત્યારે અમિત શાહ ગુજરાત પ્રવાસમાં છે. આજે શનિવારે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પોરબંદરમાં આવ્યાં હતાં. જ્યાં તેમણે જનસંબોધન કર્યું હતું. તેમણે શું કહ્યું તે જોઇએ. અમિત શાહે મને ખબર નથી પડતી કે મનસુખભાઈએ આવડી મોટી સભા શું કામ ગોઠવી તેમ જણાવી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને જામકંડોરણા આસપાસનાં ધાર્મિક સંસ્થાઓને નમન સ્મરણ કરી વક્તવ્યની શરૂઆત કરી હતી.
પોરબંદરમાં અમિત શાહનું સંબોધન
વિઠ્ઠલ રાદડિયાને પણ યાદ કર્યા અને પાર્ટીની શિસ્ત તોડીને પણ લોકો માટે લડ્યા છે વિઠ્ઠલભાઈ, સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈનું યોગદાન અવિસ્મરણીય છે.પ્રથમ બે ચરણમાં રાહુલબાબાનાં સૂપડા સાફ થઈ ગયાં છે. બધે જ સર્વત્ર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જ થઈ રહ્યું છે. સુરતની સીટ તો ભાજપને મળી ગઈ છે, બાકીની 25 સીટો પર કમળ ખીલાવીને ગુજરાતમાં હેટ્રિક રેકોર્ડ કાયમ કરવાનો છે.
કાશ્મીર આપણું છે, પણ કૉંગ્રેસ વાળા ખડગે કહે છે ગુજરાત અને રાજસ્થાનને કાશ્મીર સાથે શું લેવાં દેવા. 70 70 વર્ષથી કૉંગ્રેસ પક્ષ દત્તક બાળકની જેમ કાશ્મીરની 370ની કલમને રમાડી રહી હતી. રાહુલે કહ્યું હતુ કે 370ની કલમ હટાવશે તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પણ પાંચ વર્ષ થયા એક પથ્થર પણ ફેંકાયો નથી. કોંગ્રેસની સરકારોમાં બોમ્બ ધડાકાઓ થતા હતા પણ ઉરી અને પુલવામાનાં હુમલાઓ બાદ નરેન્દ્રભાઈએ સર્જીકલ સ્ટ્રાઈકો કરીને આતંકવાદને ખતમ કરી દીધું.
મોદીએ દસ વર્ષમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાનની વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવી દીધી. આ વખતે ભાજપને મત આપશો તો ભારતને વિશ્વની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનાવી દેશું. કોંગ્રેસે આપણા ધાર્મિક સ્થાનોને જે મહત્વ નહોતું આપ્યું એ ધાર્મિક સ્થાનોને ગૌરવવંતા બનાવી દીધા, અયોધ્યામાં રામમંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પર કોરિડોર મોદી સરકારની દેણ છે. પીવાનાં પાણીની સમસ્યા જલ સે નલ અને કચ્છ 5ખાવડા બોર્ડર સુધી આજે નર્મદાનું જળ પહોંચાડી દીધું છે.
એક સમયે કૉંગ્રેસ કાળમાં પોરબંદરમાં જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હતી. તેમાં મોદી સરકારે મહત્વનાં પગલા લઈને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાને સુરક્ષિત કર્યું. કૉંગ્રેસ કાળમાં એક સમયે ગુજરાતમાં આઠ કલાક પણ પૂરી વીજળી ન આવતી ત્યાં મોદી સરકારે જ્યોતિગ્રામ યોજના થકી ગામડાગામ સુધી 24 કલાક વીજળી પહોંચતી કરી. કૉંગ્રેસ ગરીબોને હટાવવા માંગતી હતી નરેન્દ્રભાઈ એ ગરીબી હટાવી. પાછલા દસ વર્ષ નરેન્દ્રભાઈએ કૉંગ્રેસ સરકારનાં ખાડા પુરવામાં કાઢ્યા, હવે મોદી સરકાર ભારતને વિકસિત ભારત તરફ લઈ જવા માંગે છે. આજે ગુજરાતની ચુંટણીઓમાં મારી જામકંડોરણા ખાતે પહેલી સભા છે અને મનસુખભાઈ માંડવીયાને મત આપી નરેન્દ્રભાઈને ત્રીજી વાર ભારતનાં વડપ્રધાન બનાવજો એવી અપેક્ષા સાથે જય શ્રી રામ, વંદે માતરમ્ અને ભારતમાતા કી જય.
માંડવીયાને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન : ગુજરાતમાં સૌપ્રથમ ચૂંટણી સભા સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ત્રીજી વખત નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે હાજર મેદનીને મનસુખભાઈ માંડવીયા જેઓ પોરબંદર બેઠક પરના ઉમેદવાર છે તેમને જંગી બહુમતીથી જીતાડવા આવાહન કર્યું હતું.
પોરબંદરમાં ગાંધીજી સહિતના નેતાઓને યાદ કર્યાં : શાહે જામકંડોરણા ખાતે આપેલા તેમના ભાષણમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી આજુબાજુના તમામ ધાર્મિકસ્થાનોને વંદન કરી તેમના વક્તવ્યની શરૂઆત કરી હતી. જામકંડોરણા મતવિસ્તારમાં લોકલાડીલા નેતા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાને પણ તેમણે યાદ કર્યા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાનું સહકારી ક્ષેત્રે જે યોગદાન છે તેને અવિસ્મરણીય કહીને વિઠ્ઠલભાઈને એક લોક નેતા તરીકે સંબોધ્યા હતા.
રાષ્ટ્રીય મુદ્દાઓ અને ગુજરાતના મુદ્દા ધ્યાનમાં લેવા અપીલ : અમિત શાહનાં વક્તવ્યમાં મોટાભાગે રાષ્ટ્રીય મુદ્દાઓ જેવા કે કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી, રામમંદિરની અયોધ્યામાં સ્થાપના, ભારતની આર્થિક નીતિઓ, ભારતની રાજદ્વારી નીતિઓ વગેરે રહ્યા. ક્યાંક ક્યાંક ગુજરાતમાં નરેન્દ્ર મોદીનાં મુખ્યમંત્રીકાળ દરમ્યાન બનેલી વીજ અને પાણીની યોજનાઓ જે રીતે સફળ ગઈ તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થામાં જે પ્રકારે સુધાર થયો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે એકંદરે અમિત શાહે રાષ્ટ્રીય મુદ્દાઓ તેમજ ગુજરાતના મુદ્દાઓને ધ્યાને લઈ મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી હતી.