અમદાવાદ: અમદાવાદ ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે. આ તિરંગા યાત્રામાં હજારો માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે રથની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ અમિત શાહ અને મુખ્યમંત્રીએ રથ પર બેસવાને બદલે પદયાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. વિરાટનગરથી નિકોલ ખોડીયાર મંદિર સુધીનો ત્રણ કિલોમીટરનો સમગ્ર રૂટ તિરંગામય બન્યો હતો. રસ્તામાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
અમિત શાહે યુવાનોને સંબોધ્યા અને કહ્યું...
મારા જિગરના ટુકડા જેવા યુવાનો કહીને અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતું. તિરંગા યાત્રામાં અમિત શાહએ જણાવ્યું કે, તિરંગા યાત્રા દેશ ભક્તિની અભિવ્યક્તિ સાથે વિકસિત ભારત સંકલ્પ પ્રતીક છે. કોઈ ઓફિસ કે ઘર તિરંગા વિના ના રહે તેની આપણે કાળજી રાખવાની છે. આઝાદીનો અમૃત મહોતસવ મનાવવા પાછલ ત્રણ લક્ષ્ય હતા. ભારત દેશે આઝાદી બાદ 75 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. સૌથી પહેલા તિરંગા લહેરાવા વાળા મેડમ કામાજીની આજે પુણ્ય તિથિ છે.
તેમણે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે અનેક સિદ્ધિઓ મેળવી છે. છેલ્લા 10 વર્ષમાં અનેક સિદ્ધિઓ મોદીના નેતૃત્વમાં થઈ છે. આંતકવાદ અને નકસલવાદ સામે જવાબ આપવાનું કામ મોદી સરકારે કર્યું છે. કોરોનામાંથી ભારતને સુરક્ષિત કરવાનું કામ મોદી સરકારે કર્યું છે. 2047 દેશ પૂર્ણ વિકસિત બને તે માટે આગળ આવવાની જરૂર છે.
ખાદી ફોર નેશનની વાત કરતા અમિત શાહ
તેમણે એવું પણ જણાવ્યું કે, પાંચ કિમી રોડ પર એક ઇંચ જગ્યા નથી. માનવ મહેરામણ અમદાવાદ ઉમટી પડ્યું છે. દેશના સંકલ્પ સાથે અમદાવાદ જોડાયેલું છે. સરકારી સંગઠનો અને NGO પણ આજે જોડાઈને દેશભક્તિ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક ઘરે તિરંગો લગાવીને દેશભક્તિના અભિયાનમાં જોડાવા માટે દરેક નાગરિકને અમિત શાહે હાંકલ કરી હતી. ખાદી ફોર નેશનલ ખાદી ફોર ફેશન વાત ચરિતાર્થ કરવાની છે. દરેક ઘરમાં ખાદી સંકલ્પને સાકાર કરવા તેમણે આહવાન કર્યું હતું.
શું બોલ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ?
અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશને મળેલી ગૌરવ ગાન માટે પ્રેરણા આપી છે. 2047 માં આઝાદીની શતાબ્દી ઉજવણી કરવાના છીએ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. આ ભવ્ય યાત્રામાં 50,000થી વધુ લોકોના જોડાયા છે. જે દેશભક્તિના ઉન્માદને બુલંદ કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તિરંગા યાત્રા માં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો તથા મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાઈ હતી.
કેવું હતું આયોજન?
આ તિરંગા યાત્રા શહેરના વિરાટનગરના કેસરીનંદન ચોકથી શરૂ થઈને નિકોલ ખોડિયાર મંદિર સુધીના માર્ગ પર પસાર થઈ છે. યાત્રાના માર્ગ પર 10 ટેબ્લો મુકાયા હતા. જે ભારતની આઝાદીના 78મા વર્ષના ગૌરવને ઉજાગર કરશે. આ ટેબ્લોઝમાં સ્વતંત્રતા સંગ્રામ, દેશના સ્વતંત્રતા સેનાનીઓ, અને આજના ભારતના વિકાસની ઝલક જોવા મળી હતી. શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે બીજી બાજુ શહેરમાં આ વિસ્તારો નજીકના રૂટ પર ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી હતી.