અમદાવાદ: નવરાત્રીના નવ દિવસ બાદ દશેરાના દિવસે અમદાવાદમાં ઠેર-ઠેર જલેબી અને ફાફડા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી લાંબી લાંબી લાઈનો જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જલેબી-ફાફડા બનાવતી અને વેચતી દુકાનોએ જઈ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના જાણીતા આશ્રમ રોડ ઉપર આવેલા ઓસવાલ જલેબી-ફાફડાના સ્ટોલ પર અમદાવાદ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ પહોંચી હતી અને કિચનના ચેકિંગ દરમિયાન ગંદકી અને આરોગ્ય લક્ષી પરિબળો ન જળવાતા હોવાથી તે બાબત ધ્યાને આવતા ઓસ્વાલ જલેબી-ફાફડાના બેઝમેન્ટના કિચનને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.
આરોગ્ય પરિબળો નહતા જળવાતા
AMC ફૂડ વિભાગના ડૉ. ભાવિન જોશી ETV BHARAT સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, "અમારી ટીમ ઓસવાલ જલેબી-ફાફડાના સ્ટોલ પર ચેકિંગ માટે પહોંચી હતી અને આરોગ્ય પરિબળો ન જળવાતા તથા કિચનમાં ગંદકી હોવાથી તેના બેઝમેન્ટના કિચનને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે.
ફૂડ ઓફિસર ડૉ. ભાવિન જોશીને જ્યારે પૂછવામાં આવ્યું કે, દશેરાનો તહેવાર આવે છે ત્યારે કેટલા સ્ટોલ પર તમે ચેકિંગ કર્યું અને કેટલા સેમ્પલ લીધા? તો તે બાબતની માહિતી તેમની પાસે ન્હોતી. તેઓએ કહ્યું કે "શોપિંગ ફેસ્ટિવલના કારણે માહિતી કમ્પાઈલ કરવાની બાકી છે અમે ચેકિંગ તો કરી જ રહ્યા છીએ."
કિચન સીલ કરી દીધા બાદ પણ અત્યારે હાલ ઓસ્વાલ જલેબી-ફાફડાની દુકાને બહાર ઓટલા ઉપર જલેબી ફાફડા બનાવીને વેચવાનું ચાલુ છે. લોકોની ભીડ પણ અત્યારથી જલેબી ફાફડા લેવા માટે જોવા મળી રહી છે.