અમદાવાદ : હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા અને પોતાની ફરજ પર સમયસર હાજર ન થતા કર્મચારીઓ અને અધિકારીઓને તકલીફ પડી શકે છે. હવે તેઓને કામના કલાકો દરમિયાન પોતાની ફરજ પર હાજર રહેવું પડશે.
લેટ લતીફ કર્મચારીઓની ખેર નથી : નોંધનીય વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર મોડા હાજર થાય અથવા સમય પૂરો થયા પહેલા ફરજનું સ્થળ છોડી દે તેવા બનાવોને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ 2 અને વર્ગ 3 ના કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય : વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓની ઓફિસનો સમય 10:30 છે, જો તેઓ એક માસ દરમિયાન 10:40 થી 10:55 સુધી ત્રણ વખત મોડા આવ્યા હોય તો તેઓની એક દિવસની કેઝ્યુઅલ રજા બાદ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે જે કર્મચારી સાંજના 6:00 કલાકે જવા માંગે તે માટે એક માસમાં દસ મિનિટની છૂટછાટ વધુમાં વધુ ત્રણ વખત આપી શકાશે.
મોડા આવશે તો રજા કપાશે : ત્રણ વખત કરતાં વધુ મોડા આવ્યા હોય અને કેઝ્યુલ લીવનું બેલેન્સ ન હોય તેમની અડધા દિવસની કપાત રજા ગણાશે અને તેમને બપોર પછી હાજર થવાનું રહેશે. સાથે અગત્યનું એ છે કે આ કપાત થયેલ રજાની સર્વિસ બુકમાં નોંધ કરવાની રહેશે નહીં, માત્ર પગારની ગણતરી માટે ગણવાની રહેશે.
સુધરશે નહીં તો શિસ્ત ભંગની કાર્યવાહી : કોઈ કર્મચારીના હાજર થવા અંગેના વર્તનમાં કોઈ ફેરફાર થયો નહીં અને તેઓ મોડા આવવા હંમેશા માટે ટેવાયેલા છે તેમ જાણ થશે તેવા કર્મચારીઓ વિરુદ્ધ સંબંધીત ખાતાના HOD દ્વારા શિસ્ત ભંગના પગલાં લેવા માટે તેમના ખાતાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવી IR ખાતામાં રિપોર્ટ કરવાનો રહેશે.
આઉટડોર ફરજ બજાવતા કર્મચારીઓ માટેના નિયમો : આઉટડોર ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી જેઓની માસ દરમિયાન ચોક્કસ દિવસોએ બહારની ફરજ બજાવવાની હોય છે, તેઓએ અગાઉના દિવસોએ તેમની બહારના ફરજ અંગેનો કાર્યક્રમ પોતાના સુપ્રી અધિકારી પાસે લેખિત રજૂ કરવાનો રહેશે.