અંબાજી : યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરના ચાચરચોકમાંથી ગબ્બરગઢના સીધા દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વચ્ચેની આડસો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચાર માળની બિલ્ડીંગ હોલીડે હોમ તોડાશે : અંબાજી મંદિરના ચાચરચોકથી ગબ્બરગઢના અખંડ જ્યોતના દર્શન શ્રદ્ધાળુઓને અંબાજીથી જ થતા હોય છે. ત્યારે મહત્તમ નડતરરૂપ બનેલી હોલીડે હોમ જગત જનની પથિકાશ્રમની ચાર માળની બિલ્ડીંગ જેમાં 60 થી 65 રૂમો રહેવા માટેની અદ્યતન સુવિધાઓ સાથે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી હતી. પણ આ ગબ્બરના દર્શન અંબાજીથી સીધા થવામાં અડચણરૂપ બની રહી હતી.
તોડી પાડવાની પ્રક્રિયા : ત્યારે ચાચર ચોકથી ગબ્બરગઢના સીધા દર્શન થઇ શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરોડોના ખર્ચે બનેલા હોલીડે હોમના બિલ્ડીંગને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. જેને હાલ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
બિલ્ડીંગ જર્જરિત પણ બની : બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરેમન વરુણ બરનવલે જણાવ્યું હતું કે અંબાજીથી ગબ્બરગઢના દર્શન કરવા અડચણ બની રહેલી આ બિલ્ડીંગ જર્જરિત પણ બની હતી. જે રીતે હાલના તબક્કે અંબાજીનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે આ બિલ્ડીંગને રસ્તામાંથી હટાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પુલ બનાવવાની વિચારણા : હોલીડે હોમ બિલ્ડીંગના ડિમોલેશનની કામગીરી અમદાવાદની રોહન માટલાવાળા એન્ડ કંપનીને સોંપવામાં આવી છે. આ બિલ્ડીંગ 25 થી 30 દિવસમાં સંપૂર્ણ તોડી પાડીને કાટમાળ ખસેડી પ્લોટ બનાવી આપવાની કામગીરી ઝડપભેર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. વર્તુળોમાંથી મળતી આધારભૂત મળતી માહિતી મુજબ અંબાજીથી સીધા ગબ્બરગઢ જવા બે થી અઢી કિલોમીટર લાંબો પગપાળા ગબ્બર જઈ શકાય તેવા પુલ બનાવવાની બાબત પણ વિચારાધીન હોવાનું જાણવા મળેલ છે જેનો નિર્ણય આગામી સમયમાં લેવાશે.