રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતની મંગળવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષી સભ્યએ જસદણ અને વિછિયા તાલુકામાં ખરીફ પાક નુકસાની અંગે સર્વે કરવામાં ન આવ્યો હોવાનો રજૂઆત કરી સત્તાધારીપક્ષને સાણસામાં લીધો હતો. જો કે, સામાન્યસભામાં પ્રશ્ન ઉઠાવનાર સભ્યને પ્રમુખે તમે મીડિયાને જોઈને પ્રશ્નો કરી રહ્યા હોવાનો આરોપ લગાવવાની સાથે તમે મારી ચેમ્બરમાં કોઈ દિવસ ફરિયાદ કરવા આવ્યા જ નહીં, નહીતર સર્વે કરાવી દેત તેવો જવાબ આપ્યો હતો. સામાન્ય સભામાં જિલ્લા પંચાયત દ્વારા મદદ અને વિકાસ ફંડની સ્થાપના કરી હતી, જેમાં પ્રમુખે પોતાનું તમામ માનદ વેતન જમા કરાવી દેવાનું જાહેર કર્યું હતું.
કેમ અલગથી ફંડ માટે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું?
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, સામાન્ય સભાની શરૂઆતમાં જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના શહીદ થયેલા અગ્નિવીર વિશ્વરાજસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવી સ્વભંડોળમાંથી શહીદ પરિવારને 1 લાખની સહાય ચૂકવવા જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય સભામાં બાંધકામ, સિંચાઈ સહિતની જુદી-જુદી સમિતિએ કરેલી કાર્યવાહી રજૂ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ મદદ અને વિકાસ ફંડની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. આ મદદ અને વિકાસ ફંડમાં સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ વગેરે ફાળો આપી શકશે અને અલાયદું બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવશે. વિકાસ અને મદદ ફંડમાં પ્રમુખ પ્રવીણાબેને પોતાને મળતું તમામ વેતન આ ફંડમાં આપવાનું જાહેર કર્યું હતું.
વધુમાં સામાન્ય સભામાં વિનુભાઈ મેણીયા અને મનસુખભાઇ સાકરિયાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો જેમાં મનસુખભાઇ સાકરિયાએ આક્ષેપ કર્યો હતો કે, ઓગસ્ટ મહિનામાં થયેલા ભારે વરસાદ બાદ જસદણ અને વિછિયા તાલુકામાં ખરીફ પાકને નુકસાન અંગે કોઈપણ જાતનો સર્વે જ કરવામાં આવ્યો નથી, મનસુખભાઇના પ્રશ્નોના મારા વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેને તેઓને કહ્યું હતું કે, તમે ક્યારેય આવી ફરિયાદ લઈને કમારી પાસે આવ્યા નથી નહીં તો તમારા વિસ્તારમાં સર્વે કરાવી દેત, જો કે, મનસુખભાઇ સાકરિયાએ સામાન્ય સભામાં ખેતીવાડી અધિકારીને ટેલિફોનિક ફરિયાદ કરી હોવા છતાં સર્વે નહીં કરાયો હોવાની ફરિયાદ કરી હતી. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતે સમગ્ર જિલ્લામાં સર્વે પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે. તો અંગે પ્રમુખ કહ્યું મંત્રી ફરી રજૂઆત કરી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.
દીકરી જન્મને વધાવવા એક કિલો ઘી અને 4000ની સહાય
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અલગ અલગ આઠ ઠરાવ કરવામાં આવ્યા હતા જેમાં બીજા ઠરાવમાં દીકરી માતા પોષણ સહાય અન્વયે દીકરીનો જન્મ થાય તેવી માતાઓને એક કિલોગ્રામ ગીર ગાયનું ઘી સહિત રૂ. 4000ની સહાય આપવાનું, વિચરતી જનજાતિના દીકરા-દીકરીને ધોરણ 12 સુધી વર્ષમાં એક વખત રૂપિયા 5000 સહાય આપવી, જળસંચય માટે તમામ સદસ્યોને 60 હજારની મર્યાદામાં 2 જળસંચયના કામ માટે જોગવાઈ કરવામાં આવી હતી. તેમજ વિલંબથી પુરા થયેલા કામ માટે 10 લાખની જોગવાઈ કરવા ઠેરવવામાં આવ્યું હતું.
પાછોતરા વરસાદમાં ખેડૂતોને થયેલ નુકસાન અંગે કૃષિમંત્રીને રજૂઆત કરાશે
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જસદણ અને વિછિયા તાલુકામાં થયેલા પાક નુકસાનીનો સર્વે ન થયો હોવાના આરોપ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં પાછોતરા વરસાદમાં અનેક ખેડૂતોની તૈયાર ઉપજને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજ્યના કૃષિમંત્રીને પાછોતરા વરસાદમાં થયેલા નુકસાન મામલે સહાય ચૂકવવા રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.