જુનાગઢ: 24 કલાક સુધી સતત વરસાદને પગલે આજે જુનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે શાળામાં વિદ્યાર્થીઓને આવવાનું રહેશે નહીં પરંતુ શાળાનો અન્ય સ્ટાફ કોઈ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે શાળાના સમય દરમિયાન હાજર રહેશે.


જુનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને હજી પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે જિલ્લાની તમામ ખાનગી અને સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે એક દિવસ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યા બાદ બુધવારના દિવસે વરસાદનું એલર્ટ અને વરસાદના પ્રમાણને લઈને શાળાઓ ફરી પાછી પૂર્વવત્ કરવી તેના પર નિર્ણય કરવામાં આવશે.


વિદ્યાર્થી સિવાય શાળાનો સ્ટાફ રહેશે હાજર: આજે જિલ્લાની ખાનગી અને સરકારી તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેતા એક પણ વિદ્યાર્થીઓએ શાળાએ આવવાની મનાઈ કરવામાં આવી છે, પરંતુ શાળાના શિક્ષકોની સાથે અન્ય કર્મચારીઓએ શાળાના સમય દરમિયાન શાળામાં અચૂક પણે હાજર રહેવાનો આદેશ પણ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે, અતિ ભારે વરસાદના રેડ એલર્ટને પગલે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય તો શાળાનું મકાન અને શિક્ષકોને રાહત કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે શાળાના સમય દરમિયાન તમામ શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ હાજર રહેવાની સૂચના પણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.