પોરબંદરઃ અખાત્રીજે સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં આવેલ સુદામા મંદિર ભકતો માટે ખોલવામાં આવે છે. અખાત્રીજના પાવન દિવસે સુદામા મંદિરમાં રહેલ સુદામાજીની પ્રતિમાના ચરણ સ્પર્શનો અનોખો મહિમા રહેલો છે.
ચરણ સ્પર્શનો મહિમાઃ લોક વાયકા પ્રમાણે આજના દિવસે સુદામાજી કૃષ્ણના દર્શન કરી પોરબંદર પરત ફર્યા હતા. સુદામાજી ની આર્થિક સ્થિતિ ખૂબ દયનીય હતી. તેથી તેમના પત્નીએ દ્વારકામાં તેમના મિત્ર શ્રી કૃષ્ણને મળવા જવા કહ્યું હતું. સુદામાજી તાંદુલ (પોહા )લઈને દ્વારકા ગયા હતા ને વર્ષો બાદ સુદામાને મળી શ્રી કૃષ્ણે સુદામજીના ચરણ ધોયા હતા. સુદામા આજના એટલે કે અખાત્રીજના દિવસે સુદામાપુરીમાં પરત ફર્યા હતા. ભક્તોમાં એવું માનવામાં આવે છે કે સુદામાના ચરણ સ્પર્શ કર્યા એ શ્રી કૃષ્ ના ચરણ સ્પર્શ કર્યા બરાબર છે કારણ કે, તે તેમના મિત્ર હતા. સુદામા પરત ફર્યા ત્યારે અહીં મહેલ સ્વરૂપે ઘર બની ગયું હોવાની લોક વાયકા પણ છે. આથી દર વર્ષે સુદામા મંદિર ભક્તો માટે આજના દિવસે ખુલ્લુ મુકવામાં આવે છે અને ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે. આજે મોટી સંખ્યામાં ભક્તો એ સુદામાજી ના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી.
આજે અહીં આવીને અમને ખ્યાલ આવ્યો છે કે દર વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીનું મંદિર ખોલવામાં આવે છે અને ચરણસ્પર્શ કરવા દેવામાં આવે છે. અમે ધન્યતા અનુભવીએ છીએ કે શ્રીકૃષ્ણના સખા સુદામાજીના અમને ચરણસ્પર્શ કરવા મળ્યા. શ્રીકૃષ્ણ અને શ્રી સુદામાની કૃપા સૌ પર રહે એવી પ્રાર્થના અમે કરી હતી...નાગેશ્વર(શ્રદ્ધાળુ, મહારાષ્ટ્ર)
ભારતભરમાં એકમાત્ર શ્રીકૃષ્ણ સખા સુદામાનું મંદિર પોરબંદરમાં આવેલું છે. વર્ષો જૂના આ મંદિરમાં પરંપરા છે કે અખાત્રીજના દિવસે અહીં મંદિર ખોલવામાં આવે છે અને ભક્તોને ચરણસ્પર્શ કરવા દેવામાં આવે છે. જેમ શ્રીકૃષ્ણએ સુદામાજીના દુઃખ દૂર કર્યા હતા તેવી જ રીતે સૌ ભક્તોના દુઃખ દૂર થાય તેવા આશીર્વાદ ભક્તો અહીં માંગે છે...રાજેશ રામાવત(પૂજારી, સુદામા મંદિર, પોરબંદર)