સાબરકાંઠાઃ આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા છે. આજનો દિવસ ગૃહ પ્રવેશ, લગ્ન જેવા શુભકાર્યો માટે પવિત્ર ગણાય છે. આજના દિવસે શરૂ કરેલ કોઈ પણ શુભ કામ શ્રેષ્ઠ સફળતા મેળવે છે. અખાત્રીજે સાબરકાંઠામાં ઈડરના વડાલીના ખેડૂતો ટ્રેક્ટર, ટ્રોલી, જમીન જેવા કૃષિ સંસાધનોની પૂજા કરીને ખેતીની શરૂઆત કરે છે. ભગવાન પાસે આવનારુ સમગ્ર વર્ષ વરસાદ સહિત વ્યાપક આવક આપનાર બની રહે તેની પ્રાર્થના કરાય છે.
કૃષિ સંસાધનોની પૂજા-અર્ચનાઃ સાબરકાંઠામાં ઈડરના વડાલીમાં આજે અખાત્રીજ નિમિત્તે ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર સહિત જમીનની પૂજા અર્ચના કરી ખેતીની શરૂઆત કરે છે. વેદો સહિત પુરાણોમાં પણ આજના દિવસનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. આજના દિવસે દાન પુણ્ય તેમજ ખેતી જેવા કામોની શરૂઆત કરવામાં આવે છે. ખેડૂતો માટે આજના દિવસે ખેતીની શરૂઆત કરતાં પહેલા ટ્રેક્ટરની પૂજા કર્યા બાદ જમીનની પણ પૂજા કરે છે. તેમજ ખેડૂતો ભગવાન પાસે વ્યાપક વરસાદ સહિત ધન ધાન્યમાં પણ સફળતાની પ્રાર્થના કરે છે. મોટાભાગના ખેડૂતો આજના દિવસથી જ ખેતી કામની શરૂઆત કરે છે.
વડાલીના ખેડૂતોએ કરી પૂજા અર્ચનાઃ સાબરકાંઠાના ઈડરમાં વડાલીના રમેશ પટેલ, મનીષ પટેલ અને અશોક પટેલ જેવા ખેડૂતોએ અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત ગણાવ્યું છે. તેમણે પોતાના ખેતરમાં ટ્રેક્ટર ટ્રોલી અને જમીનની પૂજા કરી ખેડાણ શરુ કર્યુ છે. તેમનું કહેવું છે કે, અખાત્રીજના દિવસે શરૂ કરાયેલી ખેતી શ્રેષ્ઠ ફળ આપનારી બની રહે છે. ખેતી કામ માટે આજના દિવસથી જ ખેડૂતો જમીન માં ખેડાણ શરૂઆત કરે છે.