વડોદરા: સમગ્ર દેશ અને ગુજરાતમાં સોની સમાજ દ્વારા છેલ્લાં ધણા વર્ષોથી ભાદરવા સુદ નોમના દિવસે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ આદી કવિ અખાની યાદગીરીમાં ઉત્સાહભેર અખો નોમ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
![આદી કવિ અખા ભગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-vdr-01-dabhoi-akolam-ujhani-videostory-gj10080_13092024082214_1309f_1726195934_678.jpg)
મહાન કવિ અખા ભગતની કહાની: ગુજરાતી સાહિત્યના મહાન આદી કવિ અખો જેઓનું મૂળનામ અખા રહિયાદાસ સોની છે, જેઓ પોતાનાં જીવનનાં શરૂઆતનાં સમયમાં સોનીનો વ્યવસાય કરતાં હતાં અને સોની કામ કરી પોતાનો જીવન ગુજારો કરતાં હતાં. તેઓ અમદાવાદ પાસેનાં જેતલપુરના વતની હતાં અને પાછળથી તેઓ અમદાવાદમાં ખાડિયાની દેસાઈ પોળમાં સ્થાયી થયાં હતાં. અખા વિશે કેટલીક જનશ્રુતિઓ પ્રચલિત છે. એ જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. એમણે બાળપણમાં માતા, જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક બે પત્નીઓને ગુમાવી હતી. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા અખા ભગત કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા.
![ભાદરવા સુદ નોમના દિવસે અખો નોમ પર્વની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-vdr-01-dabhoi-akolam-ujhani-videostory-gj10080_12092024202409_1209f_1726152849_544.jpg)
ધર્મની માનેલી બહેનની શંકાએ જગતની મોહ માયાનો ભંગ કરાવ્યો: અખા ભગતને એક ધર્મની માનેલી બહેન હતી. આ ધર્મની માનેલી એક બહેને તેમની પાસે સોનાની કંઠી બનાવડાવેલી અને આ કંઠીની બાબતમાં એમના પર અવિશ્વાસ મૂક્યો તેમજ ટંકશાળમાં એમના પર ભેળસેળનો આરોપ મુકાયો. એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા. જેમ સઘળાં સંતચરિત્રોમાં પાછળ કોઈકને કોઈક દંતકથા ઊભી હોય છે, એવું જ અખા વિશેની આ જનશ્રુતિઓ વિશે કહી શકાય.
![વર્ષોની પરંપરા મુજબ નવચંડી યજ્ઞ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-vdr-01-dabhoi-akolam-ujhani-videostory-gj10080_12092024202409_1209f_1726152849_262.jpg)
અખા ભગતની રચનાઓ સાહિત્યમાં છપ્પા તરીકે પ્રચલિત બની: મહાન કવિ અખો સોની પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યમાં પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિધ્ધી પામ્યાં હતાં. તેઓ 17 મી સદીમાં ગુજરાતી ભાષાનાં પ્રાચીન કવિઓ પૈકીનાં એક ગણાતાં હતાં. તેમની ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી. અખો પોતે આત્મજ્ઞાની કવિ હતો અને પોતે જેવા છે, તેવા દેખાડવામાં જ માનતાં હતાં. પ્રપંચ અને ખોટાં આડંબરોના તેઓ ભારોભાર વિરોધી હતાં.
![સોની સમાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-vdr-01-dabhoi-akolam-ujhani-videostory-gj10080_12092024202409_1209f_1726152849_430.jpg)
આ મહાન કવિએ તે સમયે ચાલતી રૂઢિચુસ્ત પરંપરાઓ અને રીતરિવાજો ઉપર જોરદાર ચાબખા માર્યા હતાં. ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ અખા ભગત કરતા હોવાથી કેટલોક સમય એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી રહ્યા હશે. પરંતુ પછીથી એ એમાંથી નીકળી ગયા. કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની તત્ત્વજિજ્ઞાસા સંતોષી એવી જનશ્રુતિ છે પણ એને બીજું સમર્થન સાંપડતું નથી.
![ડભોઇ શ્રીમાળી સોની સમાજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2024/gj-vdr-01-dabhoi-akolam-ujhani-videostory-gj10080_12092024202409_1209f_1726152849_1035.jpg)
અખા ભગતને સાંસારિક બાબતોનું ઉંડુ જ્ઞાન: અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ ભારતીય તત્ત્વદર્શનના બારીક અભ્યાસ ઉપરાંત એમને અનેક સાંસારિક વિષયોની પણ ઊંડી જાણકારી હોવાનું એમની કવિતામાં આવતા વિવિધ વિષયોના ઉલ્લેખો ઉપરથી પ્રતીત થાય છે.
અખા ભગત કહે છે કે, મનની ચેષ્ટાઓને કારણે મનુષ્ય પોતે પોતામાં ઊતરી શકતો નથી, અને બહારની દુનિયાના સુખ માટે અનેક તરકીબો ગ્રહણ કરે છે. કોઈ સંન્યાસ લઈ જુદા જુદા વેશ ધારણ કરે છે, કોઈ સિદ્ધ પાછળ દોડે છે, કોઈ ગુરુ કરવા લલચાય છે, કોઈ જ્યોતિષનો આશરો લઈ ગ્રહો અનુકૂળ થાય તેનાં અનુષ્ઠાન આદરે છે, કોઈ બાધા-આખડી કરે છે, કોઈ તીરથ કરવા જાય છે, કોઈ શાસ્ત્રોમાં પારંગત થઈ પંડિતાઈમાં ખોવાઈ જાય છે; પરંતુ આવી બહારની પ્રવૃત્તિને કારણે માણસની સુરતા વીખરાઈ જાય છે. તેને પોતાની જાતને ઓળખવાનો અવકાશ રહેતો નથી. પોતે ખુદ પરમાત્મસ્વરૂપ છે તે વાત તે ભૂલી જાય છે અને યાચક બનીને બેઆબરૂ થાય છે.
આનું કારણ એ છે કે જેને સિદ્ધિઓ અને ચમત્કારોનું આકર્ષણ છે તેને આત્માનું અજ્ઞાન છે. અખાની ખરબચડી ભાષા, તડ અને ફડ કહી દેવાની રીત એ એમને લાધેલી આત્માનુભૂતિને વ્યક્ત કરવાનું પરિણામ તેમની રચનાઓમાં જણાય છે. આમ કરવા પાછળ તેમના હૃદયની નિખાલસતા છતી થાય છે. અખાએ તો અધ્યાત્મ-જગતના થાકેલા પ્રવાસીઓ માટે અંતિમ સત્યનો રાહ સરળ કરી આપ્યો હોવાનું મનાય છે.
મહાન કવિની યાદમાં અખો નોમ પર્વની ઉજવણી: આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખો નોમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ નોમના પવિત્ર દિવસે ડભોઈ શ્રીમાળી સોની સમાજ દ્વારા સોનીની વાડી ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સોની સમાજે એકત્રિત થઈ આ નવચંડી યજ્ઞમાં હાજરી આપી હતી અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર સમાજ દ્વારા કામ ધંધા બંધ રાખી સમાજની વાડીમાં એકત્રિત થઈ શ્રધ્ધાપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરી, સમાજની એક્તા વધારવાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યાં હતાં. માતાજીની કૃપા હરહંમેશ જ્ઞાતિજનો ઉપર રહે તેવી પ્રાર્થના સૌએ એકત્રિત થઈ કરી હતી. આ વર્ષે આ નવચંડી યજ્ઞમાં ભાગ લેનાર પાંચ દંપતીને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતાં. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન સૌ જ્ઞાતિજનોના સહકારથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો