અમદાવાદ: ભારતીય સંસ્કૃતિમાં રસ હોય કે રંગ નવના આંકનું વિશેષ મહત્ત્વ છે. જોકે, અમદાવાદની આ વખતની દિવાળીમાં પરંપરાગત નવ રંગો ઉપરાંત એક દસમો રંગ પણ ઉમેરાયો છે, જેનો શ્રેય જાય છે 'અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને'. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને કારણે બજારની રોનકમાં વધારો જોવા મળી રહ્યો છે. શોપિંગ ફેસ્ટિવલના ચાર ડિસ્ટ્રિક્ટ્સ અને હોટસ્પોટ્સ પર કરવામાં આવેલી રોશની અને સુશોભનને કારણે આ દિવાળીની ઉજવણીને ચાર ચાંદ લાગ્યા છે, એવું સામાન્ય નાગરિકો અનુભવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના વિઝનનું પરિણામ: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એ ખરેખર તો વડાપ્રધાન મોદીના વિઝનનું પરિણામ છે. આંતરરાષ્ટ્રીય સ્તરનો શોપિંગ ફેસ્ટિવલ આપણા આંગણે પણ યોજાય, એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સાથે સાથે અમ્યુકો પણ સતત પ્રયત્નશીલ છે અને તેનાં સારાં પરિણામો જોવા મળી રહ્યાં છે.
2200થી વધુ દુકાનદારો જોડાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરાના દિવસે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો અને તે શરૂ થયાના 15 દિવસમાં જ 2200થી વધુ દુકાનદારોએ એમાં સહભાગી થયા છે જેમાં તેઓ 15 ટકાથી લઈને 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જેનો લાભ શહેરજનો ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારના લોકો લઈ રહ્યા છે.
56 જેટલાં બિઝનેસ ગ્રૂપ્સ અને બ્રાન્ડ્સ એકસાથે: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના આયોજનથી માંડીને સંચાલનમાં 56 જેટલાં બિઝનેસ ગ્રૂપ્સ અને બ્રાન્ડ્સ પહેલેથી જ સંકળાયેલાં છે અને ફેસ્ટિવલની સફળતા માટે સતત પ્રયત્નશીલ છે, જે ઉત્સાહવર્ધક છે. જ્વેલર્સ એસોસિયેશન, ટૂર એન્ડ ટ્રાવેલ એસોસિયેશન, રેસ્ટોરન્ટ એસોસિયેશન, જીસીસીઆઈ, રિલાયન્સ સ્માર્ટ રિટેલ એન્ડ જ્વેલ્સ, જેડ બ્લૂ, અરવિંદ, વિજય સેલ્સ, પેલેડિયમ મૉલ, અમદાવાદ વન મૉલ, ટીજીબી, ડી-માર્ટ, ઝોમેટો, સ્વિગી, બુક માય શૉ, અમદાવાદ એરપોર્ટ અને અન્ય એરલાઇન્સ, તાજ અને આઈટીસી નર્મદા સહિતની હોટલ... વગેરે આ શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે સહભાગી બની રહ્યા છે.
દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય શોપિંગ ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વિશેષતા છે કે, તેમાં બધું એક છત તળે લાવીને કરવામાં આવી રહ્યું છે. શોપિંગની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જે આપણા શોપિંગ ફેસ્ટિવલને અનોખો બનાવે છે અને દુનિયાના નક્શા પર નોંધપાત્ર બનાવે છે.
સકારાત્મક પ્રતિસાદ: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના ચાર ડિસ્ટ્રિક્ટ તેમજ 14 હોટસ્પોટ્સ તૈયાર કરાયા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક અંદાજ મુજબ શોપિંગ ડિસ્ટ્રિક્ટમાં દરરોજ 15,000થી વધારે લોકો લાભ લઈ રહ્યા છે તો હોટસ્પોટ્સમાં દરરોજ 25,000થી વધારે લોકોના ફુટફોલ નોંધાયા છે.
ઉત્સાહવર્ધક માહોલ: કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના સહયોગથી ઊભા કરાયેલા સ્ટોલ્સમાં દરરોજ રૂપિયા આઠ લાખની સરેરાશ સાથે અત્યાર સુધીમાં રૂપિયા 138 લાખનું વેચાણ નોંધાયું છે. જે વડાપ્રધાનના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરે છે.
સોના-ચાંદીના મેકિંગ ચાર્જીસ પર ડિસ્કાઉન્ટ: જ્વેલર્સ એસોસિયેશન દ્વારા ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જીસ પર 100 ટકા તો સોના-ચાંદીના મેકિંગ ચાર્જીસ પર 15 ટકાથી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયા પછી તેમના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.
શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત નોવોટેલ અને આઈટીસી નર્મદા દ્વારા 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તો ટીજીબી દ્વારા 30 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. એકંદર બિઝનેસ કમ્યૂનિટીના સપોર્ટ અને તંત્રના પ્રયાસોના પરિણામે શોપિંગ વિસ્તારોમાં 15-20 ટકાનો ફૂટફોલ વધ્યો હોવાનું નોંધાયું છે.
દેશ-વિદેશના લોકો પણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો આનંદ માણી રહ્યા છે. શોપિંગની સાથે સાથે કરવામાં આવી રહેલી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ એક્ટિવિટીઝને કારણે બાળકો અને યુવાનોનો ઉત્સાહ બેવડાયો હોય, એવું જોવા મળી રહ્યું છે. કાંકરિયા લેસર શૉને હજારો લોકોએ માણ્યો હતો, જે આ પ્રયાસની સફળતા દર્શાવે છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક અને નોંધપાત્ર શોપિંગ ફેસ્ટિવલ બની રહેશે, એવી આશા જાગી રહી છે.
ઑલ એક્સેસ પાસનું આકર્ષણ: આ શોપિંગ ફેસ્ટિવલમાં એક ઇનોવેટિવ પગલું એવું લેવામાં આવ્યું છે કે, મુલાકાતીઓ માટે એક ઓલ એક્સેસ પાસ તૈયાર કરવામાં આવ્યો છે, જેને તમે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઇટ કે એપ પર સાઇન-ઇન કરીને સરળતાથી મેળવી શકો છો. આ પાસના અનેક ફાયદા છે. જેમકે, તેના આધારે દુકાન, સ્ટોર કે મોલમાં તેઓ ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. એ ઉપરાંત શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોના પાસ ફ્રીમાં મેળવી શકાય છે. આ ઉપરાંત પાસધારક એક ડિસ્ટ્રિક્ટથી બીજા ડિસ્ટ્રિક્ટ સુધી જવા માટે ડબલ ડેકર બસની ફ્રીમાં મુસાફરી કરી શકે છે. એટલું જ નહીં, લકી ડ્રો થકી સરપ્રાઇઝ ગિફ્ટ પણ મેળવી શકે છે.
આ પણ વાંચો: