અમદાવાદ : રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્યના તમામ વિભાગો દ્વારા ફાયર સેફ્ટી મામલે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સક્રિય થયું છે. DEO દ્વારા શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા આદેશ કરાયો છે. અમદાવાદ શહેર DEO કચેરી હેઠળ આવતી 1 હજાર સ્કૂલમાં ચેકિંગ કરાશે.
શાળાઓમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ : આ મામલે અમદાવાદ DEO રાકેશ ચૌધરીએ જણાવ્યું કે, અમદાવાદ કચેરીના 20 જેટલા અધિકારીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. દરેકને ઓછામાં ઓછી પાંચ શાળાઓની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે બે દિવસમાં લગભગ 200 જેટલી શાળાઓની ચકાસણી કરવામાં આવી છે. શાળાઓનો સવારનો સમય હોય છે. અધિકારીઓને સોંપેલ પાંચ શાળા પ્રમાણે રોજ 100 જેટલી શાળાઓની ચકાસણી થાય છે.
શિક્ષણ વિભાગની કામગીરી : રાકેશ ચૌધરીએ જણાવ્યું કે, અમે શાળાઓમાં ફાયર NOC, ફાયરના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે કેમ અને ચાલુ કરીને બતાવે તે પ્રકારની કામગીરી કરાઈ રહી છે. જરૂર પડે તો અમે શાળાઓમાં તેનું રિહર્સલ પણ કરાવીએ છીએ. અમારી ટીમ શાળામાં જોખમી શેડ કે અન્ય કોઈ જોખમકારક વસ્તુ ન હોય તે તપાસ કરે છે. હજી સુધી ફાયર NOC ન હોય તેવી શાળાઓ મળી નથી. અઠવાડિયા સુધી અમારી આ તપાસ ચાલુ રહેશે. જે સ્કૂલોની ફાયર NOC મુદત આગામી એક મહિનામાં પૂર્ણ થવાની હોય તેમને ફાયર NOC રીન્યુ કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
તમામ શાળા સંચાલનને સૂચના : ઉલ્લેખનીય છે કે, હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. થોડા સમય બાદ જ્યારે નવું સત્ર શરૂ થશે. ત્યારે આ પહેલા અમદાવાદ શહેરની દરેક શાળાના આચાર્યને પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં નિમ્નલિખિત સૂચના આપવામાં આવી છે.
- ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી
- જરૂરી હોય નવા સાધનો વસાવવા
- ફાયર સેફ્ટી ઉપકરણો કાર્યરત રાખવા
- ફાયર NOC રીન્યુ કરવા
- ફાયર સેફ્ટીના સાધનોની તાલીમ અને મોકડ્રીલ
- બાળકો-કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી-એક્ઝિટની જાણકારી