અમદાવાદ: ઈટીવી ભારતના રિપોર્ટર ભાર્ગવ મકવાણાએ આ મુદ્દે એ ખેડૂત સાથે વાત કરીને એમના ગામ જઇ અને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. જે અનુસાર
અમદાવાદ શહેરના સાણંદ તાલુકાના વાસણા ચાચરવાડી ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી માત્ર જે સમસ્યાથી પીડાય છે તે છે પાણી...
છેલ્લા ૧૫ વર્ષ થી લાચાર જગત નો તાત...
— Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_G) September 16, 2024
માનનીય વડાપ્રધાન શ્રી ને તેના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી સાણંદ તાલુકા ના ચાંચરવાડી વાસણ ગામ નો ખેડુ વડાપ્રધાન શ્રી ને પોતાના પાણી ભરેલા ખેતર માં ઘૂંટણિયા પર બેસી વ્યથા સંભળાવી રહ્યો છે..
ગ્રામજનો એ ઘણી વાર તંત્ર સામે તેમની આ વ્યથા સંભળાવી… pic.twitter.com/n8uvTjhmsT
છેલ્લા 15 વર્ષથી પાણીમાં ગરકાવ ગામના ખેતરોને લીધે પાણી શબ્દ જ આ ખેડૂતો માટે શ્રાપ બની ગયો છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં તેમણે સમાધાનને બદલે આશ્વાસન જ મળ્યું છે. જિલ્લાના પ્રાંત અધિકારીથી માંડીને કલેક્ટર સુધી અને મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધી કરવામાં આવેલી રજૂઆતો પછી પણ આજ દિન સુધી તેમના ખેતરોમાં પાણી ભરાયેલા છે. આવો જાણીએ કે ખરેખર આ ગામની સમસ્યા શું છે? તેનું નિવારણ શું છે? અને કેમ આજ દિવસ સુધી આ જગતના તાતને હિસ્સે માત્ર નિરાશા જ આવી?
સમસ્યાની શરૂઆતનું વર્ષ 2008, સમાધાનની રાહ
પ્રાકૃતિક રીતે પાણીના પ્રવાહ અને વહેણની દિશા મુજબ જ પાણી વહેતું હોય છે. જો તે પ્રવાહને એ દિશામાં રોકવામાં આવે તો પાણી વહી શકતું નથી અને એક જગ્યાએ ભરાઇ જાય છે. આવી જ કહાની વાસણા ચાચરવાડી ગામની છે. આ ગામના વતની અને લાંબા સમયથી આ સમસ્યાના નિવારણ માટે લડત ચલાવી રહેલા મનસુખભાઈ પ્રજાપતિએ ETV BHARAT સાથે ટેલિફોનિક સંવાદ દરમિયાન જણાવે છે કે, "2008-09માં ગામમાં ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવ્યો હતો અને તેમણે દીવાલ બનાવીને પાણીના કુદરતી વહેણને અટકાવી દીધું હતું. બસ ત્યારથી અમારે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે."
વધુમાં મનસુખભાઇ જણાવે છે કે, "અમે કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, મુખ્યમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી કાર્યાલય બધે જ રજૂઆતો પણ કરેલી છે. હાઈકોર્ટે પણ 2 વખત ઓર્ડર પણ કર્યો છે. તેમાં એક વખત તો 4 અઠવાડિયામાં સમસ્યાનું નિકાલ કરવા માટે પણ કહેવામા આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે હિજરત કરવા માટે જ્યારે અમે ગયાં હતાં ત્યારે એ નડતર રૂપ દીવાલને તોડી દેવામાં આવી હતી. ત્યારે ખેતરોમાંથી પાણી પણ નીકળવા માંડ્યું હતું પરંતુ બીજા જ દિવસે તેઓએ ત્યાં એક પાળો બાંધી દીધો, જેનાથી પાછું પાણીનું વહેણ અટકી ગયો છે."
સાણંદના પ્રાંત અધિકારી ડી.બી. ટાંક ETV BHARAT સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવે છે કે "આ ગામનો માત્ર એક જ પ્રશ્ન છે કે વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને આ પ્રશ્ન ખૂબ જૂનો છે. આના માટે ત્રણ કંપનીઓ જવાબદાર છે, ત્રણે કંપનીઓ જો પોત પોતાની રીતે જવાબદારી નિભાવે તો કોઈ સમસ્યા જ ન થાય પરંતુ એક કંપની દ્વારા 100 ટકા પોતાનું કામ કરવામાં આવ્યું છે, બીજી કંપની દ્વારા 50 ટકા પોતાનું કામ કરવામાં આવ્યું છે અને ત્રીજી કંપની દ્વારા કોઈ પ્રકારનું કામ જ કરવામાં આવ્યું નથી. આમ સતત સૂચનાઓ છતાં પણ આ કંપની કોઈ પ્રકારનું કામ કરતી નથી. આ અંગે મેં મામલતદારને સૂચન આપ્યું છે કે આમને લીગલ નોટિસ આપો, કાયદા પ્રમાણે કરાવો અને જો ન કરે તો લીગલ કાર્યવાહી કરો."
જ્યારે ETV BHARAT દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે તમે લીગલ કાર્યવાહી કરવાની વાત કરો છો તો આ ગામમાં પાણીના નિકાલ માટે હાઇકોર્ટ દ્વારા પણ ઓર્ડર કરવામાં આવેલ છે, તો તેમના દ્વારા જાણે તેઓ આ બાબતથી જ અજાણ હોય તેવી રીતે કહેવામા આવ્યું કે, "ક્યારે? કયા વર્ષમાં?" 'ત્યાર બાદ તેવું કહીને કે, "હું તમને થોડી વારમાં કોલ કરું છું" કોલ કાપી નાખવામાં આવ્યો અને ત્યાર બાદ અમારા તરફથી 4 વખત કોલ કરવા છતાં તેમણે કોલ ઉપાડયો નહીં.
સાણંદના ઇન્ચાર્જ મામલતદાર સી. એલ. સુતરીયા ETV BHARAT સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવે છે કે, "આપણે જેવું વિચારીએ છીએ તેવું નથી, કે દીવાલ નાખવાથી દેવાથી પાણીનો નિકાલ થાય, એક જગ્યાએથી પાણી નીકળશે અને બીજી જગ્યાએ ભરાવા માંડશે, જ્યારે પણ અમારી મિટિંગ થાય ત્યારે તે જ ચર્ચા થાય છે આના માટે એક પ્રોજેકટ ચાલી રહ્યો છે પણ તેના એપ્રુવલનો પ્રશ્ન છે પ્રોજેકટને એપ્રુવલ મળી જાય તો આ પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવી જાય. મને ખ્યાલ છે આ પ્રશ્ન ખૂબ જૂનો છે. પણ એક ગામમાંથી પાણી નીકળીને બીજા ગામમાં ન ભરાય અને કોઈને નુકસાન ન થાય તે માટે એક પ્રોજેકટ ચાલી રહ્યો છે."
જ્યારે ETV BHARAT દ્વારા અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી. કે. ને ટેલિફોનિક વાતચીત દરમ્યાન પૂછવામાં આવ્યું કે, વાસણા ચાચરવાડી ગામ વિષે વાત કરવી છે તો તેમણે સીધું કહ્યું કે " હું મિટિંગમાં છુ તમે પ્રાંત સાથે વાત કરો." આમ કહીને તેમણે પણ ફોન કાપી નાખ્યો.
ગામ લોકોને હિજરતનો માર્ગ પણ અપનાવવો પડ્યો હતો
ગત 2 ઓગસ્ટના રોજ વાસણા ચાચરવાડી ગામના ખેડૂતો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતો બાદ પણ પાણીનો નિકાલ ન થતાં હિજરતના માર્ગે ચાલી નીકળ્યા હતાં. ગામના ખેડૂતો હિજરત કરીને સાણંદ તાલુકા કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને ધામા નાખ્યા હતાં. ખેડૂતો પોતાની એક જ માંગ સાથે અડગ રહ્યાં હતાં કે, જ્યાં સુધી અમારા ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે ફરી ઘરે જવાના નથી અહીં જ તાલુકા કચેરી ખાતે બેસી રહીશું."
ત્યારે તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓ સ્થળ ચકાસણી કરવા પહોંચ્યા હતા. તેમણે રિપોર્ટ બનાવ્યો કે કેટલું પાણી ભરાયેલું છે. વાસ્તવમાં ખેડૂતો પરિસ્થિતિનો ચિતાર રજૂ કરે તે પહેલાં ઈનડસ્ટ્રીઝ એકમો હરકતમાં આવ્યા હતા અને તંત્ર પહેલા ઇન્ડસ્ટ્રીઝ એકમો દ્વારા નડતર રૂપ દીવાલને તોડી પાડવામાં આવી હતી. ત્યારે ખેડૂતોને થયું કે આખરે આટલા વર્ષની મહેનત રંગ લાવી છે તેમની જીત થઈ છે. પરંતુ ગામના ખેડૂત મનસુખભાઇ પ્રજાપતિ જણાવી રહ્યા છે કે, "દીવાલ તોડયાના 2 દિવસમાં જ તેમના દ્વારા ફરી ત્યાં એક પાળો બાંધીને પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવ્યો છે."
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલો હુકમ
નામદાર ગુજરાત હાઇકોર્ટના RMise CA.422 of 2020 R/writ petition (PIL)no. 140 of 2020 તા. 25/08/2020ના હુકમમાં પાણીના આવક અને નિકાલના અવરોધને દૂર કરવા તથા તમામ અવરોધોને ચાર અઠવાડિયામાં દૂર કરી તેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે નામદાર હાઇકોર્ટને રિપોર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો તથા તળાવને જાહેર જનતા માટે ઉપયોગમાં લઈ શકે તેવી વ્યવસ્થા કરવા અંગે હુકમ કરવામાં આવ્યો હતો.
તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર દ્વારા કરવામાં આવેલો પરિપત્ર
સાણંદના તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર પી. આર. દેસાઇ દ્વારા મામલતદાર કોર્ટ.એક્ટ/નં.2/2020 અન્વયે કરવામાં આવેલ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, અરજદારની રજૂઆતના અનુસંધાને સર્વે નં. 247 (તળાવ) માંથી વરસાદી પાણી અથવાતો કુદરતી વહેણના કુદરતી પાણીની આવક તથા કુદરતી પાણીના નિકાલ માટે સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેંટના અધિકારી, પંચાયત ઇરિગેશન ડિપાર્ટમેંટના અધિકારીઓએ દ્વારા કરવામાં આવેલ કન્ટુર મેપના અભ્યાસ મુજબ ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલકોએ આ સાથે સામેલ નકશા મુજબ ‘D’ માર્કથી દર્શાવેલ વાદળી કલરની લાઇન જેટલી લંબાઈ ધરાવતી સ્ટોર્મ વોટર લાઇન ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલકોએ નાખવાની રહેશે.
ગુજરાત હાઇકોર્ટના હૂકમનો અનાદર કરવા મામલે પોલીસ ફરિયાદ
ગ્રામજનો જ્યારે ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પી.આઈ.એલ. નંબર 140/2019 કરવામાં આવી, ત્યારે હાઇકોર્ટ દ્વારા પણ આ બાબતે તપાસ કરવા માટે અને ગામના પાણીનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે ગામના મનસુખભાઇ પ્રજાપતિ દ્વારા તારીખ 31-08-2024 ના રોજ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હાઇકોર્ટ અને સાણંદ મામલતદારના હૂકમનો અનાદર કરવા અંગે એન. જી. રિયલ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.